દીકરા આર્યન ખાનને સ્ટ્રેસમાંથી બહાર લાવવા શાહરુખે લાઇફ કોચની મદદ લીધી

November 25, 2021

કોલકાતા : શાહરુખના દીકરા આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા તેને મહિનો થવા આવ્યો છે. આર્યન ખાન આ કેસ બાદ એકદમ ગુમસુમ થઈ ગયો છે. હવે ચર્ચા છે કે શાહરુખે દીકરા માટે જાણીતા લાઇફ કોચ આરફીન ખાનને હાયર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 'ડિઅર જિંદગી'માં શાહરુખે ડૉ.જહાંગીર ખાન (જગ)ની ભૂમિકા ભજવી હતી.

આરફીન ખાન મોટિવેશનલ ગુરુ, કોર્પોરેટ ટ્રેનર તથા ઓથર છે. આરફીન ખાને છેલ્લાં 25 વર્ષમાં 47 જેટલાં દેશોમાં મોટિવેશનલ સેમિનાર કર્યાં છે. આરફીન ખાનના પેરેન્ટ્સ મૂળ કોલકાતાના, પરંતુ તેઓ વર્ષોથી લંડનમાં સ્થાઈ થયા હતા. આરફીન ખાનની પત્ની સારા ખાન ટીવી એક્ટ્રેસ છે. આરફીન તથા સારાએ વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં અને લગ્નના 10 વર્ષ બાદ તેઓ પેરેન્ટ્સ બન્યાં હતાં. સારા ખાને ટીવી સિરિયલ 'જમાઈ રાજા', 'સિયા કે રામ', 'લવ કા હૈ ઇતજાર' તથા 'દિલ્લી વાલી ઠાકુર ગર્લ્સ'માં કામ કર્યું છે.

રીતિક રોશને પત્ની સુઝાન ખાનને વર્ષ 2014માં ડિવોર્સ આપ્યા ત્યારે પણ આરફીન ખાનનું નામ ચર્ચામાં આવ્યું હતું. રીતિક રોશને તે સમયે આરફીન ખાનને જ હાયર કર્યો હતો.

વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડિઅર જિંદગી'માં શાહરુખ ખાને લાઇફ કોચની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાયકોલોજીસ્ટના રોલમાં હતો અને તેણે આલિયા ભટ્ટના જીવનના પ્રશ્નોમાં માર્ગદર્શન આપ્યું હતું. ગૌરી શિંદેના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને શાહરુખની કંપની રેડ ચિલીઝ તથા કરન જોહરના પ્રોડક્શન હાઉસ ધર્માએ પ્રોડ્યૂસ કરી હતી.