ગુજરાત હાઈ કોર્ટના છ કર્મચારી અને વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા

July 06, 2020

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસ હવે ગુજરાત હાઈ કોર્ટમાં પહોંચી ગયો છે. ગુજરાત હાઇ કોર્ટના ૬ સ્ટાફ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બોડકદેવના કાઉન્સિલર કાંતિભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ અમદાવાદમાં અત્યાર સુધીમાં શહેરના ૨૪ જેટલા કોપોર્રેટરોને કોરોના વાયરસનો ચેપ લાગી ચૂક્યો છે. બીજી બાજુ શનિવારે ગુજરાતમાં વધુ ૨૧ મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાને કારણે ૧,૯૨૭ લોકોે જીવ ગુમાવી ચૂક્યા છે.

ગુજરાતમાં હાલ મૃત્યુદર ૫.૪૪ ટકા જેટલો છે. હજુ ૬૮ દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર પર રખાયા હતા. ગુજરાતભરમાં કોરોનાનો કહેર વધતા સાવચેતીના ભાગરૂપે હાઇ કોર્ટ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં છ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે પણ હાઈ કોર્ટમાં બાકીના સ્ટાફનું ટેસ્ટિંગ ચાલુ હતુ. રવિવાર હોવા છતાં સ્ટાફને ટેસ્ટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. શનિવાર સુધીમાં ૨૩૧ કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા હતા. જેને લઇને છ જુલાઈના રોજ લિસ્ટેડ થયેલી મેટરની સુનાવણી હવે ૭મી જુલાઈએ થશે. દરમિયાન રવિવારે અમદાવાદના બોડકદેવ વિસ્તારના કોર્પોરેટર કાંતિ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે કાંતિ પટેલને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના સર્વત્ર પ્રસરી ગયો છે. ત્યારે અત્યાર સુધી એએમસીના લગભગ ૨૪ કોર્પોરેટરને કોરોના થયો છે. દરમિયાન ગુજરાતમાં કોરોના વાઇરસના શનિવારે સાંજ સુધીના ચોવીસ કલાકમાં નવા નોંધાતા કેસનો આંકડો સાતસોને પાર કરી ગયો હતો.

શનિવારે ગુજરાતમાં ૭૧૨ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં ૧૬૫ નવા કેસ નોંધાયા તેની સામે સુરત શહેરમાં ૨૦૧ નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના ગુજરાતમાં કુલ ૩૫,૩૯૮ કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ વધીને ૮,૦૫૭ થઇ ગયો છે. એક્ટિવ કેસોની ટકાવારી હાલ ૨૨ ટકા ઉપર છે. જ્યારે ગુજરાતનો રિકવરી રેટ હાલ થોડો મંદ પડ્યો છે. પંદર દિવસ પૂર્વે રિકવરી રેટ ૭૩ ટકા આસપાસ હતો તેને સ્થાને શનિવારે તે ૭૧.૮ ટકા પર પહોંચ્યો છે. શનિવારે ૪૭૩ દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાયો હતો.