સાત કલાકથી ઓછી ઊંઘ ડીએનએને કાયમી નુકસાન કરી શકે છે : અભ્યાસ

November 24, 2021

એક અભ્યાસ અનસાર, સાત કલાકથી ઓછી ઊંઘ ડીએનએને કાયમી નુકસાન કરી શકે છે, એટલું જ નહીં પરંતુ તે કેન્સર પણ નોતરી શકે છે. સંશોધકોએ હોંગકોંગમાં કેટલાક ડોક્ટરોનો અભ્યાસ કર્યો હતો. આમાંના કેટલાક ડોક્ટરોએ નાઇટ શિફ્ટમાં કામ કર્યું હોવાથી તેમનામાં ઊંઘનો અભાવ જોવા મળ્યો હતો અને ઊંઘનો અભાવ ડીએનએને 30 ટકા નુકસાન પહોંચાડી શકે છે, આને કારણે રંગસૂત્રની ખામી સર્જાય છે જે સરવાળે કેન્સર નોતરે છે.

અનિદ્રા ડીએનએને કાયમી ધોરણે નુકસાન કરી શકે છે અને કેન્સરનાં જોખમમાં વધારો કરે છે તેવું સંશોધકોએ જણાવ્યું છે.  અનિદ્રા રિપેર થવાની ડીએનએની ક્ષમતાને પણ નુકસાન કરે છે, પરિણામે વંશીય રોગો પેદા થાય છે. સંશોધકોનું એવું માનવું છે કે યુવાનો રંગસૂત્રો પર અનિદ્રાની અસરની તપાસ કરનાર આ પહેલો અભ્યાસ છે. રાતની પાળીમાં કામ કરનાર ડોક્ટરોની ઊંઘ પર સંશોધનમાં ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, જોકે સંશોધકોને હજુ સુધી જાણવા મળ્યું નથી કે શા માટે ઊંઘનો અભાવ ડીએનએને નુકસાન કરે છે.જ્યારે શરીરનું તંત્ર છિન્નભિન્ન થાય છે ત્યારે લોકોના જનીનોમાં ફેરફાર આવે છે. એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે અપૂરતી ઊંઘ માનવશરીરને સૌથી વધારે નુકસાન કરે છે. ઊંઘનો અભાવ લોકોના જનીનો પર અસર પાડે છે અને ડીએનએને કાયમી ધોરણે નુકસાન કરે છે.