ટેસ્ટમાં સ્ટુઅર્ટ બ્રોડની ૫૦૦ વિકેટ

July 28, 2020

માન્ચેસ્ટરઃ ઇંગ્લેન્ડના અનુભવી સિનિયર પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાતી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટના છેલ્લા દિવસે મંગળવારે વરસાદનાં વિઘ્નો વચ્ચે પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૫૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો સાતમો તથા ચોથો પેસ બોલર બન્યો છે. બ્રોડ ઇંગ્લેન્ડ તરફથી ૫૦૦ વિકેટ ઝડપનાર બીજો બોલર પણ બન્યો છે. ૨૦૧૭માં એન્ડરસને વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો. જોગાનુજોગ એન્ડરસન અને બ્રોડે જ્યારે ૫૦૦ વિકેટ પૂરી કરી ત્યારે સામે છેડે કેરેબિયન બેટ્સમેન ક્રેગ બ્રાથવેઇટ જ હતો.  શ્રીલંકા સામે ૨૦૦૭ના ડિસેમ્બરમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર બ્રોડે વિન્ડીઝ સામેની આ ટેસ્ટ પહેલાં પો।તની કારકિર્દીમાં ૧૩૯ ટેસ્ટ રમી હતી અને તેણે ૧૭ વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. તેણે ૧૨૧ વન-ડેમાં કુલ ૧૭૮ તથા ૫૬ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં કુલ ૬૫ વિકેટ હાંસલ કરી છે. શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક ૮૦૦ વિકેટ છે. આ ઉપરાંત શેન વોર્ન ૭૦૮, કુંબલે ૬૧૯, જેમ્સ એન્ડરસન ૫૮૯, મેકગ્રા ૫૬૩ તથા કોર્ટની વોલ્શ ૫૧૯ ટેસ્ટ વિકેટ ઝડપી ચૂક્યા છે.