બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો કોરોનાથી સંદિગ્ધ, ફરીથી થશે તપાસ

July 07, 2020

રિયો ડી જાનેરો :બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જેથી સોમવારે મોડી રાતે તેમને તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ફેફસામાં સમસ્યા અનુભવાઈ રહી છે માટે ડોક્ટર્સે તેમને ફરીથી કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિ બોલસોનારો સોમવારે ફેફસાનું સ્કેનિંગ કરાવવા માટે હોસ્પિટલ પણ ગયા હતા.

એક અહેવાલ પ્રમાણે બોલસોનારોને શરીરમાં તાવ સહિત કેટલાક એવા લક્ષણો પણ અનુભવાયા જેથી કોરોનાની શંકા જાગી અને તેને અનુસંધાને તેઓ તપાસ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તાજેતરના મહીનાઓમાં બોલસોનારોના કેટલાક સહયોગિયોને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.

રાષ્ટ્રપતિ બોલસોનારો ઘણી વખત માસ્ક વગર જ સામાન્ય લોકો વચ્ચે જોવા મળે છે જેથી કોઈ કાર્યક્રમ દરમિયાન તેઓ સંક્રમિત થયા હોવાની શંકા છે. તેઓ શનિવારે અમેરિકી રાજદૂત દ્વારા આયોજિત જુલાઈની રજાઓ ઉજવવા માટેના લંચ કાર્યક્રમમાં પણ માસ્ક વગર જોવા મળ્યા હતા અને તે સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નહોતું કરાયું.

બપોરના ભોજન સમયે લેવામાં આવેલી કેટલીક તસવીરો અને વિદેશ મંત્રી અર્નેસ્ટો અરાજોએ કેટલાક ફોટો ટ્વિટર પર શેર કર્યા તેમાં રાષ્ટ્રપતિ અમેરિકી રાજદૂત ટોડ ચૈપમેન પાસે બેસેલા જોવા મળ્યા હતા. તેઓ ભોજન માટે ગોઠવવામાં આવેલા ટેબલ પર અંગૂઠો દેખાડીને લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા અને તે સમયે તેમણે માસ્ક નહોતું પહેરેલું.