સ્વીટી પટેલ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચ કરશે, ATS અને FSL માત્ર ટેક્નિકલ સપોર્ટ કરશે

July 20, 2021

વડોદરા : જિલ્લાના એસઓજીના તત્કાલિન પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થઇ જવાના કેસની તપાસ માત્ર અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા કરવામાં આવશે. ડીવાયએસપી કક્ષાના અધિકારી સમગ્ર કેસોની તપાસ કરશે. ગુજરાત ATS માત્ર ટેક્નિકલ સપોર્ટ કરશે. આ ઉપરાંત પીઆઇ અજય દેસાઇનો ગાંધીનગર FSL માં નાર્કો ટેસ્ટ પણ આજે પુર્ણ થશે. 
વડોદરા જિલ્લાના પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં તપાસ કરી રહેલી જિલ્લા પોલીસે સોમવારે પીઆઇ એ.એ દેસાઇને લઇને ગાંધીનગર એફએસએલમાં પહોંચી હતી. જ્યાં બપોર બાદ પીઆઇના નાર્કો ટેસ્ટ શરૂ કરાયો હતો. નાર્કો ટેસ્ટની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. પીઆઇ દેસાઇનો એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ ત્રણેય રિપોર્ટની રાહ પોલીસ જોઇ રહી છે. અત્રે નોંધનીય છે કે, આ ટેસ્ટ દરમિયાન તેને ભાવનાત્મક સવાલો પુછાયા હતા. કારણ કે દેસાઇ પોતે પણ પોલીસ અધિકારી છે તેથી તે તપાસ અંગે ઘણુ જાણતા હોવાથી તેમના ટેસ્ટમાં ખાસ તકેદારી રાખવામાં આવી હતી. 
વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવનાર પીઆઇ દેસાઇની પત્ની સ્વીટી મહેન્દ્ર ભાઇ પટેલ 45 દિવસથી ગુમ છે. જિલ્લા પોલીસ દ્વારા અનેક પ્રયાસો અને અનેક સર્ચ ઓપરેશનો છતા પણ હજી સુધી તેની કોઇ ભાળ મળી નથી. હાલ તો સ્વીટી પટેલનાં 2 વર્ષનાં બાળક અને અટાલી ગામમાંથી મળેલા હાડકાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માટે મોકલી અપાયો છે. હાલ આ રિપોર્ટની પણ પોલીસ રાહ જોઇ રહી છે.