ટાટા સ્ટીલની Q4માં ₹1,615.35 કરોડની ચોખ્ખી ખોટ

June 30, 2020

નવી દિલ્હી:ટાટા સ્ટીલે સોમવારે માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી હતી જેમાં તેણે ₹1,615.35 કરોડની સંગઠિત ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કંપનીએ એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ₹2,295.25 કરોડનો નફો નોંધાવ્યો હતો તેમ તેણે બીએસઇ ફાઇલિંગમાં જણાવ્યું હતું. કંપનીની સંગઠિત આવક જાન્યુઆરી-માર્ચ 2019 ગા‌ળામાં ઘટીને ₹35,085.86 કરોડ થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં ₹42,913.73 કરોડ હતી. કંપનીનો કુલ ખર્ચ આ ગાળામાં ₹33,272.29 કરોડ નોંધાયો હતો. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹38,728.87 કરોડ હતો. કંપનીનો શેર બીએસઇ પર 0.82 ટકા ઘટીને ₹321.25 બંધ આવ્યો હતો.

ટાટા સ્ટીલે 2019-'20ના સમગ્ર નાણાકીય વર્ષમાં ₹2,719.58 કરોડનો સંગઠિત ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 73.55 ટકાનો ઘટાડો દર્શાવે છે. સ્ટીલ કંપનીએ 2018-'19ના નાણાકીય વર્ષમાં ₹10,283.45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2020ના સમગ્ર ગાળા દરમિયાન કંપનીની સંગઠિત આવક ઘટીને ₹1.41 લાખ કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019 દરમિયાન 1.59 લાખ કરોડ હતી. નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરમાં સંગઠિત ચોખ્ખી ખોટ ₹1,095.68 કરોડ હતી જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹2,430 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.