રાજસ્થાનમાં લમ્પી વાયરસનો આતંક: છેલ્લા 24 કલાકમાં 500થી વધુ ગાયોના મોતથી હાહાકાર

August 05, 2022

બાડમેર : ભારતમાં ગાયને માતાનો દરજ્જો અપાય છે, ત્યારે આજે એજ ગાય માતા દયનીય હાલતમાં છે. દિવસો વધતા આ લમ્પી વાયરસ અબોલ જીવ ગાયનો ભોગ લઇ રહ્યું છે. માણસ બીમાર પડે તો તે હોસ્પિટલ જઇને પોતાની સારવાર કરાવી શકે છે. ગુજરાતમાં લમ્પી વાયરસનો આતંક પ્રસરી રહ્યો છે તેવામાં ગુજરાતના જ પાડોશી રાજ્યમાં હવે લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. 

રાજસ્થાનના બાડમેરમાં ઢોરોમાં ફેલાતો ચામડીનો રોગ સંપૂર્ણ રીતે જીવલેણ બની ગયો છે. એક રિપોર્ટ સ્થિતિ એ છે કે છેલ્લા 24 કલાકમાં સત્તાવાર આંકડામાં 500થી વધુ ગાયોના મોત થયા છે પરંતુ જમીની સ્તરે આ આંકડો ત્રણ ગણાથી પણ વધુ છે. 

રાજસ્થાનના શહેરો અને ગામડાંઓમાં હાલ એ સ્થિતિ છે કે ગાયને દાટવા માટે જમીનો ઓછી પડી રહી છે. લમ્પી સ્કિન ડિસીઝ એક ચેપી રોગ છે જે પશુઓમાં મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે. બાડમેર જિલ્લા હેડકવાર્ટરથી બે કિલોમીટર દૂર એક ડમ્પિંગ યાર્ડ છે, જ્યાં અગાઉ પ્રાણીઓને દફનાવવામાં આવતા હતા. આ ડમ્પિંગ યાર્ડમાં સામાન્ય રીતે બે-ત્રણ મૃત ગાયો આવતી હતી પરંતુ છેલ્લા 15 દિવસથી દરરોજ 20-25 તો ક્યારેક 40થી 50 મૃત ગાયો લાવવામાં આવી રહી છે. આ આંકડો પણ ભયાવહ છે. આ ડમ્પિંગ યાર્ડમાં દફનાવવા માટે જગ્યા જ બચી નથી, જેથી કોન્ટ્રાક્ટરે ચારે તરફ સેંકડો મૃત ગાયોને જમીન પર રાખી દીધી છે.

ડમ્પિંગ સાઈટ પર જગ્યા ન મળતા ગાયોને જમીન પર જ મુકવાની ફરજ પડી રહી છે.આ સ્થિતિ હજી શહેરી વિસ્તારોની જ છે. ગામડાઓમાં મોતનો આંકડો અને મૃત ગાયો માટેની દફનાવવા માટે જમીનનીપણ અછત પડી રહી છે.