ખોટા બર્થ સર્ટિફિકેટ આપનાર ખેલાડીને BCCI બે વર્ષ માટે સસ્પેન્ડ કરશે

August 04, 2020

મુંબઇઃ બીસીસીઆઇએ ડોમેસ્ટિક ક્રિકેટમાં વય સંબંધી ગરબડ કે છેતરપિંડી અંગે નવી નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. નવો નિયમ ૨૦૨૦-૨૧ની સિઝનમાં બીસીસીઆઇની તમામ એજ-ગ્રૂપ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ ઉપર લાગુ કરવામાં આવશે. નવી નીતિ અનુસાર જો ખેલાડી પોતાની ભૂલ કબૂલી લેશે અથવા તો તેણે પોતાની વય સંબંધીના દસ્તાવેજો સાથે છેડછાડ કરી છે તેવી કબૂલાત કરશે તો તે બચી શકે છે પરંતુ જો તે આ બાબતને છુપાવવાના પ્રયાસ કરશે તો બીસીસીઆઇ તેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેશે.નવા નિયમ મુજબ પોતાની જન્મતારીખમાં છેડછાડ કરીને પોતાના ખોટા દસ્તાવેજ જમા કરાવ્યા હોવાની ખેલાડી કબૂલાત કરી લેશે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે નહીં પરંતુ તેને સાચી વય બતાવ્યા બાદ ટૂર્નામેન્ટમાં રમવાની તક આપવામાં આવશે. ખેલાડીએ પોતાના હસ્તાક્ષર સાથે લેટર કે ઇમેલ કરવો પડશે અને તેની સાથે ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં સંબંધિત ડિપાર્ટમેન્ટમાં તે ટ્રુ-કોપી કરવાની અસલી જન્મતારીખના દસ્તાવેજ જમા કરાવવા પડશે. જો રજિસ્ટર્ડ ખેલાડી સાચી માહિતી આપશે નહીં અને તેના દસ્તાવેજ ખોટા નીકળશે તો તેને બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવશે નહીં. ત્યારબાદ બે વર્ષ પૂરા થયા પછી પણ આ પ્રકારના ખેલાડીઓને એજ-ગ્રૂપની ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.