સૌથી મોટુ પલાયન, 2050 ટ્રેનો દોડાવાઈ છતા 70 ટકા મજૂરોની ઘરવાપસી બાકી

May 22, 2020

નવી દિલ્હી : કોરોનાની મહામારી વચ્ચે ભારતમાં ઈતિહાસનુ સૌથી મોટુ પલાયન આપણી નજર સામે જ જોવા મળી રહ્યુ છે. આઝાદી વખતે થયેલા ભાગલા કરતા પણ આ મોટુ સ્થળાંતર હોવાનુ ઘણા કહી રહ્યા છે.

પ્રવાસી મજૂરો પોતાના વતનમાં જવા માટે હજી પણ અલગ અલગ રાજ્યોમાં તંત્રની કચેરીઓ સામે ભીડ લગાવી રહ્યા છે. રેલવે દ્વારા પ્રવાસી મજૂરો માટે અત્યાર સુધીમાં 2050 ટ્રેનો દોડાવાઈ છે છતા હજી પણ 70 ટકા પ્રવાસી મજૂરોની ઘરવાપસી બાકી છે.

રેલવે દ્વારા 30 લાખ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. આમ છતા હજી લાખો લોકો પોતાના ઘરે જવા માટે ટ્રેનો, બસોની રાહ જોઈ રહ્યા છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, પંજાબથી માત્ર 30 ટકા જ પ્રવાસીઓ ઘરે પાછા ફરવામાં સફળ રહ્યા છે. રેલવેએ 30 લાખ લોકોને ઘરે મોકલવાની યોજના બનાવી હતી પણ એવુ લાગે છે કે, આ સંખ્યા અંદાજ કરતા ઘણી વધારે છે. એટલા માટ જ રેલવે રોજ 300 જેટલી ટ્રેનો દોડાવવા માટે તૈયારી કરી રહ્યુ છે.

રેલવે મંત્રી પિયુષ ગોયેલે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં મજૂરોને લઈને સૌથી વધારે 636 ટ્રેનો ગુજરાતમાંથી પાછી ફરી છે. જે બીજા કોઈ પણ રાજ્ય કરતા વધારે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યો મજૂરોને ઘર સુધી પહોંચાડવા માટે ટ્રેનો ચલાવવા માટે સહયોગ કરી રહ્યા નથી.