દેશનો પ્રથમ હેપ્પીનેસ ઈન્ડેક્સ:પંજાબ, ગુજરાતના લોકો સૌથી ખુશનુમા

September 16, 2020

નવી દિલ્હી : દેશના પ્રથમ હેપ્પીનેસ ઈન્ડેક્સ મુજબ, મિઝોરમ, પંજાબ અને અંદમાન-નિકોબાર ત્રણ ખુશનુમા રાજ્ય છે. મોટા રાજ્યોમાં પંજાબ, ગુજરાત અને તેલંગાણા અગ્રેસર છે અને નાના રાજ્યોમાં મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ ટોપ પર છે. ખરાબ સ્કોર કરનારા 10 રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, નાગાલેન્ડ, રાજસ્થાન, ગોવા, મેઘાલય, ઓરિસ્સા, ઉત્તરાખંડ, છત્તીસગઢ છે. આ રાજ્યોનું ક્રમશઃરેન્કિંગ 27થી 36 છે.

આ સ્ટડી IIM અને IITમાં પ્રોફેસર રહેલા રાજેશ પિલાનિયાના નેતૃત્વમાં માર્ચ 2020થી જુલાઈ 2020ની વચ્ચે કરવામાં આવ્યો છે. તેમાં સમગ્ર દેશના 16,950 લોકોએ હિસ્સો લીધો. આ સ્ટડીના પરિણામ જણાવે છે કે વૈવાહિક સ્થિતિ, ઉંમર વર્ગ, શિક્ષણ અને કમાણીના સકારાત્મક રૂપ સાથે ખુશીને સીધો સંબંધ છે.

અવિવાહિત લોકોની સરખામણીમાં પરણિત લોકો વધુ ખુશ હોય છે. આ સ્ટડીમાં એ પણ જોવા મળ્યું છે કે કોરોનાના પગલે લોકોની સ્થિતિમાં શું પ્રભાવ પડ્યો ? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અશ્વે વિલિયન્સ જણાવે છે કે જે લોકો પૈસાની જગ્યાએ સમયને વધુ મહત્વ આપે છે, તેઓ વધુ ખુશ રહે છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણાના લોકોની ખુશીઓ પર કોરોનાએ સૌથી વધુ અસર કરી છે.

પુડ્ડુચેરી અને જમ્મુ-કાશ્મીરના લોકો પર કોઈ અસર જોવા મળી નથી. જ્યારે મણિપુર, અંદમાન અને નિકાબોર દ્વીપ અને લક્ષદ્વીપમાં લોકો આ સમયમાં વધુ આશાવાદી બન્યા. સ્ટડીના નિષ્કર્ષમાં સ્ટેનફોર્ડના નામાંકિત ઈન્સ્ટીટયુટના સાયન્સ ડાયરેક્ટર ડો. ઈમ્મા સેપ્પાલા જણાવે છે કે દયાળુ અને ધૈર્યવાન લોકો સૌથી વધુ ખુશ અને પ્રસન્ન રહે છે.

સ્ટડીના જણાવ્યા મુજબ દેશના લોકો ભવિષ્યને લઈને આશાવાદી છે અને અગામી 5 વર્ષમાં હાલની સ્થિતિની સરખામણીમાં પોતાને વધુ ખુશ અને સંપન્ન જોઈ રહ્યાં છે. ભવિષ્યના હેપ્પીનેસ રેન્કિંગમાં મણિપુર, અંદમાન-નિકોબાર દ્વીપ અને ગુજરાત સૌથી ખુશનુમા રાજ્ય છે. મોટા રાજ્યોમાં ગુજરાત, ઉત્તરાખંડ અને આંધ્ર ટોપ પર છે.