સરકાર અને RBI વધારી શકે છે લોન ચુકવવામાં છૂટની અવધિ, બેંકો દ્વારા વિરોધ

August 01, 2020

નવી દિલ્હી :નાણાં મંત્રી નિર્મલા સીતારામણના કહેવા પ્રમાણે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) સાથે લોન મોરેટોરિયમ વધારવા માટે વાતચીત થઈ રહી છે. લોન મોરેટોરિયમની સુવિધા આગામી 31 ઓગષ્ટના રોજ સમાપ્ત થઈ જશે. જો કે 31મી ઓગષ્ટ બાદ પણ ગ્રાહકો માટે લોનની ચુકવણીમાં છૂટની અવધિ વધી શકે છે. પરંતુ બેંકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


સીતારામણે ઉદ્યોગ સંગઠન ફિક્કી (FICCI)ના એક કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલિટી સેક્ટરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે લોકડાઉનના કારણે આ સેક્ટર સૌથી વધારે પ્રભાવિત થયું છે. આ સેક્ટરને આ વર્ષે 90,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. 


આ સપ્તાહની શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ સાથે એક બેઠક દરમિયાન ભારતી એન્ટરપ્રાઈઝના વાઈસ ચેરમેન રાકેશ ભારતી મિત્તલે પણ લોન મોરેટોરિયમની અવધિ વધારવા માંગ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં પણ આ સુવિધા નહીં આપવામાં આવે તો આ વર્ષે એનપીએ યાદીમાં સામેલ થનારી કંપનીઓ વધી જશે. 


આ તરફ શુક્રવારે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. પરિણામો દ્વારા તે સ્પષ્ટ થયું કે તે અધિસ્થગન વધારવાના પક્ષમાં નથી. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે, જે 9.5 ટકા ખાતાધારકોએ અધિસ્થગનનો ફાયદો ઉઠાવ્યો હતો તેમાં બેંક દ્વારા ખાતાની તપાસ કરવામાં આવતા તેમાંથી 5.2 ટકા કોર્પોરેટ એકમો હતા જે સપ્ટેમ્બરથી ઋણ સેવા આપવાની સ્થિતિમાં હતા.

ફક્ત એસબીઆઈ જ નહીં, પરંતુ એચડીએફસીના ચેરમેન દીપક પારેખે પણ મોરેટોરિયમ આગળ ન વધારવું જોઈએ તેમ કહ્યું હતું. જે લોકો ચુકવણીની ક્ષમતા ધરાવે છે, પછી ભલે તે ઈન્ડિવિજ્યુઅલ હોય કે પછી કોર્પોરેટ્સ તેઓ પણ આ મોરેટોરિયમનો ફાયદો ઉઠાવી રહ્યા છે.