હાઈકોર્ટે સરકારને ટપારતા કહ્યું ‘ગીરમાં સિંહોને શાંતિથી જીવવા દો, લાયન સફારીમાં ઘટાડો કરો’

November 27, 2021

ગીરના સિંહો ગુજરાતનું ગૌરવ છે. આ કારણે જ વિશ્વભરના પ્રવાસીઓની નજર ગીરની સફારી પર રહે છે. ગીરની સફારી માણવા આવનારા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આવામાં તાજેતરમાં જ પ્રવાસીઓની વચ્ચે ઘેરાયેલા સિંહની તસવીર વાયરલ થઈ હતી. ત્યારે ગીરના જંગલમાં વનરાજાની પજવણીની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે સરકારને ટપારતા કહ્યું કે, સિંહોને તેના વિસ્તારમાં શાંતિથી જીવવા દો. લાયન સફારીમાં ઘટાડો કરો. 

તાજેતરમાં લાયન સફારીમાં પ્રવાસીઓથી ઘેરાયેલા સિંહની તસવીર વાયરલ થઈ હતી. જ્યાં એક તરફ આ તસવીરના વખાણ થયા હતા, ત્યાં ગીરમા સિંહની પજવણી મામલે હાઈકોર્ટની ગંભીર નોંધ લીધી છે. પજવણી મુદ્દે વાયરલ ફોટોગ્રાફ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. જેથી લાયન સફારીના નામે સિંહોની થતી પજવણી પર હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી છે. હાઈકોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા કહ્યું કે, સિંહને પોતાના વિસ્તારમાં શાંતિથી જીવવા દો. સિંહને શાંતિથી જીવવા દેશો તો સિંહ દેખાશે. પ્રકૃતિ સાથે કોઈ ચેડા ન થવા જોઈએ. 

એડવોકેટ હૃદય બૂચે પ્રવાસીઓથી ઘેરાયેલા સિંહણની તસવીર હાઈકોર્ટમાં રજૂ કરી હતી. જેમણે ગિરનાર અભયારણ્યમાં ટુરિઝમ ઝોનનો વિરોધ કર્યો હતો. તેણે હાઈકોર્ટમાં કહ્યું કે, પ્રાણીઓની પ્રજાતિઓમાં રસ લેનારા અને સિંહો જોવાના તેમના શોખ વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે. આ માટે તપાસ થવી જોઈએ. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાએ એશિયાટિક લાયન્સના સંરક્ષણ માટે ગંભીરતાથી નોંધ લીધી છે. 

જેથી ગીરમાં લાયન સફારીમાં ઘટાડો કરવા હાઈકોર્ટે સૂચન કર્યુ છે. સાથે જ સમગ્ર મામલે સરકારને અહેવાલ રજૂ કરવાનું HC એ કહ્યું છે. જેબી પારડીવાલાએ કહ્યું કે, ખરેખર તો માણસે પ્રાણીઓના સામ્રાજ્યમાં દખલ ન કરવી જોઈએ. આપણી પાસે આફ્રિકાના મસાઈ મારા અને ક્રુગ નેશનલ પાર્ક જેવી સુવિધાઓ નથી. આ સ્થળો પર પહોંચવુ સરળ નથી. લોકોમાં સિંહની એક ઝલક જોવી રોમાંચક હોય છે. સરકારે આ મામલે કંઈક કરવુ પડશે. સિંહ અને સિંહણોને શાંતિથી રહેવા દો. તમે તમને હેરાન કેમ કરો છો. જો કોઈને સિંહ જોવા છે તો પ્રાણીસંગ્રહાલયમાં જાઓ. પ્રકૃતિ સાથે છેડછાડ ન કરો. હવે સિંહો શહેરોમાં પણ આવી રહ્યાં છે.