કોર્ટમાં સતત બક-બકથી કંટાળેલા જજે આરોપીના મોઢા પર પટ્ટી મરાવી

November 29, 2020

વોશિંગ્ટન- કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીની વધારે પડતી બક-બક સાંભળીને કંટાળી ગયેલા જજે ચાલુ કોર્ટમાં જ આરોપીને એવી સજા ફટકારવાનો હુકમ કર્યો હતો કે, હાજર રહેલા વકીલો અને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
આ ઘટના અમેરિકામાં બની છે.અમેરિકાના ઓહાયો રાજ્યની એક કોર્ટમાં વિલયમ્સ નામના લૂંટના આરોપીને રજૂ કરાયો હતો.2017માં જ તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને કોર્ટ સમક્ષ સજા સંભળાવવા માટે રજૂ કરાયો હતો.પહેલી સુનાવણી દરમિયાન વિલિયમ્સ જેલમાથી ફરાર થઈ ગયો હતો.જોકે 2018માં તેને ફરી પકડી લેવામાં આવ્યો હતો અને આ વખતે ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો.


જોકે વિલિયમ્સ સતત 30 મિનિટ સુધી બોલતો રહ્યો હતો.જજે તેને ચૂપ થવા માટે વોર્નિંગ પણ આપી હતી.જેની આરોપી પર કોઈ અસર થઈ નહોતી.આખરે કંટાળીને જજે કહ્યુ હતુ કે, હું વકીલો પાસેથી દલીલો સાંભળવા માંગુ છું અને આ માટે આરોપીનુ મોઢુ બંધ કરવામાં આવે.

પોલીસે પણ જજના આદેશનુ પાલન કરવા માટે વિલિયમ્સને તાકીદ કરી હતી.જોકે એ પછી પણ વિલિયમ્સની બક બક ચાલુ રહી હતી .તેનાથી કંટાળીને જજ પોલીસને આદેશ આપ્યો હતો કે, આરોપીના મોઢા પર પટ્ટી મારવામાં આવે.જજના આદેશ બાદ બાકાયદા આરોપીના મોઢા પર પટ્ટી મારવામાં આવી હતી અને બાકીની સુનાવણી પૂરી કરાઈ હતી. કોર્ટે આરોપીને લૂંટફાટના કેસમાં 24 વર્ષની સજા ફટકારી છે.