દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 105

March 15, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવે ભારતમાં કોરોના પોઝિટિવ હોય તેવા લોકોની સંખ્યા 105 પર પહોંચી છે.

ભારત સરકારે કોરોનાને પ્રસરતો અટકાવવા માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, ભૂટાન અને બર્મા સાથે જોડાયેલી બોર્ડર પરથી અવર જવર પર રોક લગાવી દીધી છે. નવો આદેશ ના જાહેર થાય ત્યાં સુધી આ રોક ચાલુ રહેશે.

સરકારે બોર્ડર સીલ કરવાની સાથે કહ્યુ છે કે, યુએનના કોઈ વ્યક્તિને અથવા તો ડિપ્લોમેટિક વિઝા પર જો કોઈને ભારત આવવુ હોય તો વાઘા અટારી બોર્ડર પરથી આવી શકે છે. એ પહેલા તેણે સ્ક્રિનિંગ કરાવવુ પડશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બસ સેવા પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવાઈ છે.

ભારતમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. આ રાજ્યમાં 31 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને સામે બીજા 10 લોકો સાજા પણ થયા છે.

અડધા દેશમાં સ્કૂલો કોલેજો 31 માર્ચ સુધી બંધ છે. જેમાં દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ, જમ્મુ, હરિયાણા, કેરલનો સમાવેશ થાય છે. સરકારે લોકોને વિદેશની યાત્રા નહી કરવાની સલાહ આપી છે.