જૈન સાધુ-સાધ્વી મહારાજ પર કોરોના સંક્રમણનું જોખમ, સંઘોને તકેદારી રાખવા તાકીદ

May 03, 2021

કોરોના મહામારીની બીજી લહેરમાં જૈન સમુદાયનાં સાધુ-સાધ્વી મહારાજ પર કોરોના સંક્રમણનું જોખમ તોળાયું છે. અનેક સાધુ-સાધ્વી મહારાજ સંક્રમિત થવાની સાથે જ ઘણા કાળધર્મ પામ્યા છે. એવામાં હવે જૈન સંઘોને ખાસ તકેદારી રાખવાનું આહ્વાન ગુરુ ભગવંતો, જૈન અગ્રણીઓ કરી રહ્યા છે. દરમિયાન સુરતના બલેશ્વરમાં સ્થિર વર્ધમાન સ્થાનકવાસી સંપ્રદાયના આચાર્ય શિવમુનિએ સંઘોને જન્મજયંતી, દીક્ષા જયંતી જેવા કાર્યક્રમો સ્થગિત રાખવાનો અનુરોધ કર્યો છે.


બલેશ્વર અવધ સાંગરિલામાં સ્થિર આચાર્ય શિવમુનિએ લેખિત સંદેશ સાથે ચતુર્વિધ સંઘ, શ્રાવકો, શ્રાવિકા, સાધુ-સાધ્વી મહારાજને નિયમોનું પાલન સાથે ઉજવણીમાં સંયમ રાખવાની હાંકલ કરી છે. લેખિત સંદેશમાં તેમને જણાવ્યું હતું કે, દરરોજ સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ સંક્રમિત થવાના અને ભવ પરિવર્તન થવાના સમાચાર મળી રહ્યા છે. તેને જોતાં ચતુર્વિધ સંઘોએ સતર્ક રહેવું જરૂરી છે. સાધુ-સાધ્વી મહારાજે વ્યવહારના નામ પર અત્યધિક વિચરણને વિરામ આપીને એક જગ્યા પર સ્થિર થવું અને અધ્યાત્મિક સાધનામાં જોડાવું.


વર્તમાન પરિસ્થિતિ જોતાં જન્મ જયંતી, પુણ્યતિથિ, દીક્ષા જયંતી સહિતના ધાર્મિક કાર્યક્રમો ચતુર્વિધ સંઘોએ તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરી દેવા. કોરોના કાળમાં આ પ્રકારના કાર્યક્રમો સંઘમાં કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી યોજવા નહીં. અમે અક્ષય તૃતીયા, દીક્ષા સ્વર્ણ જયંતી કાર્યક્રમ સાથે ચાતુર્માસ પરિવર્તન પણ કરી દીધું છે. જે સાધુ-સાધ્વી વિહારમાં હોય તેઓએ સુરક્ષિત જગ્યા પર પહોંચીને સાધનામાં સંલગ્ન થઇ જવું. ચાતુર્માસ સ્થળ દૂર હોય તો તેનું પરિવર્તન કરી દેવું.