ધવનની વિજયી ઈનિંગ : દિલ્હી પોઈન્ટ ટેબલના શીખરે

May 03, 2021

નવી દિલ્હી: દિલ્હી ખાતે રમાયેલી પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. દિલ્હીએ આ મેચ સાત વિકેટે જીતી લીધી હતી. મહત્ત્વની વાત એ છે કે, રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ મયંક અગ્રવાલને પંજાબનું સુકાનપદ સોંપવામાં આવ્યું હતું. મયંકના અણનમ ૯૯ રનની મદદથી પંજાબે ૧૬૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ૧૭.૪ ઓવરમાં આ સ્કોર સર કરી લીધો હતો. ધવનની તોફાની અડધી સદીની મદદથી દિલ્હી વિજય મેળવીને પોઈન્ટ ટેબલમાં શીખર ઉપર આવી ગયું છે. આઠ મેચમાંથી છ મેચ તેણે જીતી લીધી છે. દિલ્હીએ ટોસ જીતીને પંજાબને પહેલી બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મયંકને બાદ કરતા પંજાબમાં કોઈ મોટો સ્કોર કરી શક્યું નહોતું. મયંકે સુકાની તરીકે પહેલી અડધી સદી સાથે ૯૯ રને અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી રબાડાએ ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ દિલ્હી તરફથી ધવને ૬૯ રનની અણનમ ઈનિંગ રમી હતી. ધવને આઈપીએલ કેરિયરની ૪૪મી અડધી સદી ફટકારી હતી.
પંજાબ કિંગ્સને રવિવારની દિલ્હી કેપિટલ્સ સામેની મેચ અગાઉ મોટો ફટકો પડયો હતો.  કેપ્ટન કેએલ રાહુલને પેટમાં ભારે દુઋખાવો ઉપડતાં તત્કાળ હોસ્પિટલમાં ભરતી કરવો પડયો હતો અને હવે સર્જરીની જરૂર છે તેમ પંજાબ કિંગ્સના ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતું. રાહુલને શનિવારે રાત્રે પેટમાં તીવ્ર દુઃખાવો ઉપડયો હતો. તેને દવાઓ આપવામાં આવી હતી પરંતુ કોઈ ફાયદો ન થતાં તેને ઇમર્જન્સી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેને તીવ્ર એપેંડિસાઇટિસ છે. તેને સર્જરી દ્વારા ઠીક કરવામાં આવશે, જેના માટે તેને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.