કપડવંજ ST ડેપોમાં એક સાથે 39 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા, , મોટા ભાગના રૂટોની બસો બંધ કરાઈ

May 03, 2021

રાજ્યમાં કોરોના વાયરસના કારણે અનેક જગ્યાએ બસો, પ્રાઈવેટ વાહનો બંધ રાખવાની ફરજ પડી છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કપડવંજ ST ડેપોમાં ફરજ બજાવતા સ્ટાફના 39 કર્મચારીઓ કોરોના સંકમિત થયા છે. જેના કારણે મોટા ભાગના રૂટો પર એસટી બસ બંધ કરવાની ફરજ પડી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે કપડવંજ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. તેમાં કપડવંજ એસ.ટી.ડેપોના કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી. કપડવંજ એસટી ડેપોમાં 147 ડ્રાઇવર, 121 કંડકટર ઉપરાંત વર્કશોપ ખાતે મિકેનિકલ સ્ટાફનું મહેકમ છે. જેમાંથી એક સપ્તાહ પહેલા ડેપો મેનેજર સહિત અંદાજે 26 જેટલા ડ્રાઇવર કંડકટર અને મિકેનિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે અને તે પછી આજદિન સુધી 5-ડ્રાઇવર તથા 8-કંડકટર મળી કુલ 39નો સમાવેશ થાય છે.

તદુપરાંત એસ.ટી.ના બે કર્મચારીઓના પણ કોરોનાને કારણે મોત નિપજયા હતા. જેમાં એટીઆઇ તથા ટ્રાફિક કન્ટ્રોલરનો સમાવેશ થાય છે. હાલ કપડવંજ એસટી ડેપોમાંથી 72 સિડ્યુલ છે જેમાંથી 45 શિડયુલ હાલના સમયે કાર્યરત છે અને કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે.