ઇક્વાડોરની જેલમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૪૪ કેદીઓનાં મોત

May 13, 2022

ક્વિટો : ઇક્વાડોરની એક જેલમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૪૪ કેદીઓનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના પહેલા એક અન્ય જેલમાં આવા જ પ્રકારની થયેલી હિંસામાં ૨૦ કેદીઓનાં મોત થયા છે. ગૃહપ્રધાને જણાવ્યું છે હતું કે સેન્ટો ડોમિંગો સ્થિત બેલાવિસ્ટા જેલમાં કેટલાક કેદી અન્ય કેદીઓ પર હુમલો કરવાના ઇરાદાથી પોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતાં. પ્રધાનના જણાવ્યા અનુસાર જે કેદીઓના મોત થયા છે તેમના પર ચાકુથી હુમલા કરવામાં આવ્યા હતાં. 

મૃતકોના સંબધીઓને ંમૃતદેહો પોતાના વતનમાં લઇ જવામાં મદદ કરવામાં આવશે. આ ઘટના પછી પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જેલમાંથી બંદૂકો, વિસ્ફોટકો અન્ય શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે.  અધિકારીઓએજણાવ્યું છે કે હુમલા દરમિયાન ૨૨૦ કેદી ભાગી ગયા હતાં. જેમાંથી ૧૧૨ લોકોને ફરીથી પકડી લેવામાં આવ્યા છે. માનવાધિકાર જૂથ એમનેસ્ટી ઇન્ટરનેશનલે માર્ચમાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે ૨૦૨૦માં ઇક્વાડોરની જેલોમાં થયેલી હિંસક અથડામણોમાં ઓછામાં ઓછા ૩૧૬ કેદીઓનાં મોત થયા હતાં. જેમાંથી ૧૧૯નાં મોત એક સાથે સપ્ટેમ્બર, ૨૦૨૦માં થયા હતાં.