ખાનગી હોસ્પિટલોના ઠાગાઠૈયાંથી મોડાસામાં ચૌધરી સમાજના બે આશાસ્પદ યુવકોના મોત

May 19, 2020

- અમદાવાદ અને મોડાસાની ખાનગી હોસ્પિટલોએ સારવાર માટે ના પાડી દીધી હતી: ફરીવાર રિપોર્ટ કઢાવવાની કાર્યવાહીમાં મોત થયાનો આક્ષેપ

મોડાસા તાલુકામાં ચૌધરી સમાજના બે આશાસ્પદ યુવાનોના ખાનગી હોસ્પિટલમાં સારવારના અભાવે મોત થયા છે. જંબુસર ગામના યુવકનો કોરોના રિપોર્ટ નહી હોવાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલે સારવાર માટે નન્નો ભણી દેતાં મોત નિપજ્યુ હતુ. જ્યારે ઉમેદપુર ગામના યુવકનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં મોડાસાની ખાનગી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવે મોત થતાં ખાનગી હોસ્પિટલોનાં વ્યવહારને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.જંબુસર ગામનો એસવાય બીએસસીમાં અભ્યાસ કરતો ૧૯ વષય વિરેન કિર્તીભાઈ પટેલને લ્યુકેમીયાની બિમારી હતી.


જેને સારવાર માટે અમદાવાદની નામાંકિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી પ્રથમ કોરોનાનો રીપોર્ટ કરાવીને આવો બાદમાં સારવાર કરવામાં આવશે તેમ જણાવતાં યુવકની સારવાર કરાવ્યા વગર પરિવાર ઘરે આવ્યો હતો. તેનો કોરોનાનો રીપોર્ટ આવતાં ત્રણ દિવસ લાગ્યા અને રીપોર્ટ નેગેટીવ પણ આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તો સારવારના અભાવે એકના એક સંતાનનું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી તરફ અન્ય એક કિસ્સામાં ઉમેદપુર ગામના ૧૭ વષય જૈમિન અરવિંદભાઈ પટેલને તાવ તેમજ શરદી સહિત ન્યુમોનિયાની અસર હોવાથી મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.


પરંતુ ત્યાંથી તેને મોટી હોસ્પિટલમાં લઈ જવા જણાવાયુ હતું.વેન્ટીલેટર નહી હોવાનું જણાવી તેને અન્ય જગ્યાએ લઈ જવાનું કહેતાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. સાર્વજનિક હોસ્પિટલમાં વેન્ટીલેટર હતુ પરંતુ હોસ્પિટલના બે ફિઝીશીયન કોરેન્ટાઈન હોવાના કારણે હિંમતનગર સિવિલમાં લઈ જવાની ફરજ પડી હતી. હિંમતનગર સિવિલમાં કોરોનાનો રીપોર્ટ કરાવતાં નેગેટીવ આવ્યો હતો. તેથી મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. પરંતુ ખાનગી હોસ્પિટલમાંથી ફરીથી કોરોના રિપોર્ટ કરાવવાનું કહીને સારવાર માટે ધરાર ના પાડી દેવાઇ હતી. ધક્કા ખાવામાં સમય વ્યતિત થતાં જતાં યુવકનું મોત થયુ હતું.પરિવારમાં એકના એક દીકરાનું મોત થતાં પરિવાર ઉપર આભ ફાટી પડયું છે.