ડ્રાઇવિંગ કરતાં મોબાઇલ વાપરશો તો દસ હજારનો દંડ, ઉત્તર પ્રદેશના ટ્રાફિક ખાતાએ કાયદા કડક કર્યા

July 31, 2020

 લખનઉ : ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર ખાતાએ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક જામ રોકવા કાયદા કડક કર્યા હતા. પહેલી ઑગષ્ટથી ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન વાપરનારે દસ હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. એ જ રીતે હેલ્મેટ વિના ટુ વ્હીલર પર પકડાનારા વાહનચાલકે એક હજાર રૂપિયાનો દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર વિભાગે ગુરૂવારે નવા નિયમોની સત્તાવાર જાહેરાત કરી હતી.

પહેલીવાર હેલ્મેટ વિના પકડાનારા ટુ વ્હીલર ચાલકે એક હજાર રૂપિયા ચૂકવવા પડશે જ્યારે બીજીવાર પકડાશે તો દસ હજાર રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમો સખત કરવા અગાઉ યોગી આદિત્યનાથે જૂન માસમાં ટ્રાફિકના નવા નિયમો માટેનો ખરડો પસાર કર્યો હતો. વાસ્તવમાં કેન્દ્ર સરકારે ગયા વરસે ટ્રાફિકના નવા નિયમો જાહેર કર્યા ત્યારે રાજ્યોને પોતાની જરૂરિયાત મુજબ એમાં ફેરફાર કરવાની છૂટ આપી હતી. તદનુસાર યોગી આદિત્યનાથની સરકારે પોતાના રાજ્યમાં ટ્રાફિકના નિયમો કડક કર્યા હતા.

કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ એવી સ્પષ્ટતા કરી હતી કે ટ્રાફિકના કડક કરાયેલા કાયદા સરકારી તિજોરી ભરવા માટે નથી પરંતુ વરસે સડક પરના અકસ્માતમાં થતા દોઢ લાખ મૃત્યુ અટકાવવાના હેતુથી કાયદા કડક કરવામાં આવ્યા હતા. જો કે કેટલાંક બિનભાજપી રાજ્યોએ કડક કરાયેલા ટ્રાફિકના કાયદાનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો.

એના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે કાયદા નરમ હશે કે દંડની રકમ ઓછી હશે તો કોઇ આ કાયદાનું પાલન નહીં કરે અને માર્ગ અકસ્માતો  સતત વધતા રહેશે. આમ છતાં રાજ્યોને દંડની રકમ કે સજામાં વધઘટ કરવાની છૂટ છે.  મોટા ભાગનાં રાજ્યો ગડકરીની આ દલીલ સાથે સંમત થયા હતા.