વડોદરા ગેંગરેપ:PM રિપોર્ટ આવ્યો, રેલવે SPએ કબૂલ્યું-‘યુવતીના હાથ-પગ-સાથળના ભાગે ઈજાના નિશાનો, ગેંગરેપ થયો

November 24, 2021

વડોદરા : નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં 21 દિવસ બાદ પણ નરાધમો પકડાયા નથી. આજે રેલવે SP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, 'યુવતી પર રેપ થયો છે અને તેના હાથ-પગ અને સાથળના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા છે'.

દુષ્કર્મ મામલે રેલવે SP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, આ કેસને ઉકેલવા માટે DGP દ્વારા SITની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 300થી વધુ ગુનેગારોની પૂછપરછ પણ કરવામાં આવી છે. નવસારીની યુવતીનું રિક્ષામાં અપહરણ થયું હતું. જેના કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ 1000થી વધુ રીક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે. દુષ્કર્મનો બનાવ સાંજના 6:30 વાગ્યે બન્યો હતો. આ કેસને ઉકેલવા માટે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ રહી છે. આ ઘટનાની ગુથ્થીને ઝડપથી તેનો ભેદ ઉકેલવા SITની રચના કરાઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે, ટ્રેનના ડબ્બામાં યુવતીના હાથ, સાથળ અને પગના ભાગે ઇજાઓ પહોંચેલી હતી, જેના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે યુવતી સાથે દુષ્કર્મ થયાનું પુરવાર થયું હતું. પરંતુ હાલ આરોપી સુધી પહોંચાય તેવા હાલ કોઈ પુરાવા મળ્યા નથી.