મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત

November 24, 2021

નવી દિલ્હીઃ  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન મમતા બેનર્જીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના અધિકાર ક્ષેત્રને વધારવા અને ત્રિપુરામાં હિંસાનો મુદ્દો ઉઠાવ્યો છે. સાથે પીએમ મોદીને ગ્લોબલ બિઝનેસ મીટનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું છે. કેન્દ્રએ હાલમાં બીએસએફના અધિકારને 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરી દીધુ હતું. 
ત્યારબાદ પંજાબ અને બંગાળના મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે. બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, મેં BSF વિશે ચર્ચા કરી, BSF અમારા દુશ્મન નથી. હું તમામ એજન્સીઓનું સન્માન કરુ છું પરંતુ કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે તેનાથી તેમાં ટકરાવ થાય છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે મીટિંગ દરમિયાન તેમણે પીએમ મોદીને કહ્યું કે ફેડરલ સ્ટ્રક્ચર સાથે બિનજરૂરી રીતે છેડછાડ યોગ્ય નથી, તમારે તેના પર ચર્ચા કરવી જોઈએ અને BSF કાયદો પાછો ખેંચવો જોઈએ.
મમતા બેનર્જીએ કહ્યું, "અહીં ઘણી કુદરતી આફતો આવી છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી અમને ઘણા પૈસા મળશે. મેં તે પૈસા આપવાનું કહ્યું, તેણે કહ્યું કે તે ઠીક છે, અમે પરિસ્થિતિ જોયા પછી કહીશું." સીએમ મમતાએ કહ્યું કે મેં કોવિડ વિશે ચર્ચા કરી. રાજ્યને રસીના વધુ ડોઝની જરૂર છે. મેં શણ ઉદ્યોગ વિશે વાત કરી.