વિપક્ષોના પ્રમુખ પદ માટેના ઉમેદવાર યશવંત સિંહા કહે છે : 'હું તે કર્તવ્ય બોજ માટે તૈયાર છું'

June 21, 2022

- 'બૃહદ રાષ્ટ્રીય હિત માટે પક્ષથી દૂર થવું પણ પડે : NDA સરકારમાં મંત્રી રહેલા સિંહાએ મમતાનો આભાર માન્યો'


દિલ્હી : જુલાઈ ૧૮મીએ યોજાનારી રાષ્ટ્રનાં સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક સમયે NDA સરકારમાં મંત્રી પદે રહેલા યશવંતસિંહા વિપક્ષોના સર્વ સંમત ઉમેદવાર તરીકે નિશ્ચિત થઇ રહ્યા છે. તેઓએ તે અંગે પોતાના પ્રતિભાવો આપતાં ક્યું હતું કે હું તે કર્તવ્ય બોજ માટે તૈયાર છું. આ સાથે તેઓએ કહ્યું હતું કે મમતાજીએ TMC માં તેઓને જે માન આપ્યું છે અને પ્રતિષ્ઠા પણ આપી છે તે માટે હું તેઓનો આભારી છું હવે સમય એવો આવ્યો છે કે રાષ્ટ્રનાં બૃહદ હિત માટે મારે પક્ષથી અલગ થઇ જવું જોઇએ. જે વિપક્ષોની વિશાળ એકતા માટે પણ અનિવાર્ય છે. આમ તેઓએ આજે (મંગળવારે) સવારે તેમના ટ્વિટ ઉપર જણાવ્યું હતું. આથી હવે તે નિશ્ચિત થઇ ગયું છે કે તેઓ આ સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર છે.


ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં યશવંત સિંહા ભાજપ છોડી તૃણમૂલમાં જોડાયા હતા અને તેના ઉપપ્રમુખ તરીકે રહ્યા છે. પૂર્વ વિદેશ મંત્રી અને નાણાંમંત્રી પદે રહેલા ૮૪ વર્ષના સિંહા, વિપક્ષોમાં સર્વ સંમતિ પ્રેરી શકશે, અને ગોપાલ કૃષ્ણ ગાંધી કે ફારૂક અબ્દુલ્લાનું ઉમેદવાર તરીકે નામ રજૂ કરનાર શિવસેનાને પણ પ્રેરણા આપી શકશે. તેમ માનવામાં આવે છે. તે સર્વવિદિત છે કે ગોપાલ કૃષ્ણ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા બંનેએ તે સ્પર્ધામાં રહેવા માટે અસંમતિ દર્શાવી હતી.


શિવસેનાનાં સ્રોતોએ મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે અમે NCPના વડા શરદ પવારને રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે સૂચવ્યા હતા. પરંતુ તેઓએ પોતે જ ના કહેતાં તેમની કક્ષાના કે તેમનાં સ્તરની નજીક રહેલા કોઇને શોધવા રહ્યા, તેમાં યશવંત સિંહા બરોબર બંધ બેસે છે, સેનાએ NDAમાં તેમની સાથે કામ પણ કર્યું છે. દરમિયાન ભાજપ પાર્લામેનટરી બોર્ડની આજે (મંગળવારે) સાંજે મીટીંગ મળવાની છે, જેમાં શાસક પક્ષના પ્રમુખ પદ માટેના ઉમેદવારની પસંદગી કરાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પક્ષની આ સર્વોચ્ચ સમિતિની બેઠકમાં હાજર રહેવાના છે.


બીજી તરફ આજે શરદ પવાર પણ વિપક્ષોની એક બેઠક યોજવાના છે. વિપક્ષોના વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખર્ગે ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી અને ડી.રાજા આજે (મંગળવારે) સવારે પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને વિપક્ષના સર્વસંમત ઉમેદવાર અંગે ચર્ચા કરી હતી. ત્યાં તૃણમૂલે તો સોમવારે સાંજે જ સિંહાનું નામ સૂચવી દીધું છે.