યસ બેન્કની નિષ્ફળતા યુપીએ સરકારને કારણે : નિર્મલા સિતારામન

March 08, 2020

નવીદિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને યસ બેંકની નિષ્ફળતામાં અથવા તો કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકે જે રીતે પગલાં લેવામાં ઢીલાશ કરી તેનો દોષનો ટોપલો શુકવારે કોંગ્રેસના નેતૃત્વની યુપીએ સરકાર ઉપર ઢોળ્યો હતો.

એમણે દિવસમાં બે વખત એવું નિવેદન કર્યું હતું કે 2014 પહેલા જે રીતે છૂટની ધિરાણ અપાતું હતું, જે રીતે કોઇપણ પ્રકારની તપાસ વગર ધિરાણ અપાતું હતું તેના કારણે બેંકોની હાલત નબળી પડી છે અને એટલે હવે મોદી સરકારે સફાઈ કરવી પડી રહી છે. 

નાણામંત્રી નિર્મલા સીતારામને શુકવારે સાંજે પત્રકાર પરિષદમાં બે મહત્વની બાબતો 'ઓન રેકર્ડ' કરી હતી. એક, વર્ષ 2017થી રિઝર્વ બેંક યસ બેંકની કામગીરી ઉપર નજર રાખી રહી હતી અને તેના ઉપર તપાસ ચાલવી રહી હતી.

આ તપાસના આધારે જ 2018માં પ્રમોટરને બેંકમાં કાઢી મુકવામાં આવ્યા હતા અને એ પછી નવા સીઈઓની નિમણુંક કરવામાં આવી હતી. એમણે એવો પણ દાવો કર્યો હતો કે બેંકના ચેરમેન કે એમના જેવા ટોચના અધિકારીઓ દ્વારા થયેલી ગેરરીતીની તપાસ ચાલી રહી છે. (સાંજે બેંકના પૂર્વ પ્રમોટર અને ચેરમને રાણા કપૂરના ઘરે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરોરેટની રેડ પડી હતી)

બીજો દાવો કર્યો હતો કે ''વર્ષ 2014 પહેલા (ભાજપ સત્તા ઉપર આવ્યું એ પહેલા) યસ બેન્કે એવા કોર્પોરેટને ધિરાણ કર્યું હતું કે જેમની હાલત કંગાળ હતી. અનિલ અંબાણી જૂથ, દીવાન હાઉસિંગ, આઈએલએન્ડએફએસ, વોડાફોન જેવા કેટલાક ગ્રાહકોના નામ લઇ હું બેંકની કોઈ ગોપનીયતાનો ભંગ કરી રહી નથી. આ બધી લોન યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે આપવામાં આવી હતી,''એમ નાણામંત્રીએ જણાવ્યું હતું. 

અગાઉ, સંસદની બહાર ડિપોઝીટરના નાણા સુરક્ષિત છે એવું જણાવતા નાણામંત્રી સીતારામને જણાવ્યું હતું કે 2014 પહેલા બેંકો દરેક ચાચા ભતીજાને લોન આપી રહી હતી. 

હકીકતે, નાણામંત્રી એવું કહેવા માંગી રહ્યા હતા કે યસ બેંકની લોંગ બુક યુપીએ સરકારના શાસના બહુ મોટી હતી, બહુ વધી હતી અને એવા દરેકને લોન આપવામાં આવી હતી કે જેમની પરત કરવાની શક્તિ હતી નહી. જોકે, આ વાત સત્ય નથી.