ઓપરેશન બ્લ્યુ સ્ટારની વર્ષી પૂર્વે પેરા મિલિટરી ફોર્સની 4 કંપનીઓ, 1500 PAP તૈનાત

May 27, 2022

- 6ઠ્ઠી જૂને આવતી વર્ષી પૂર્વે પાકની ISIના ટેકાથી પંજાબમાં ઘૂસેલા ત્રાસવાદીઓ પાસેથી IED પકડાતાં સતર્કતા વધારાઈ


અમૃતસર : 1984માં 6 જૂને અમૃતસરમાં સુવર્ણ મંદિર સ્થિત ત્રાસવાદીઓ અને તેમના 'સરદાર' ભીન્દ્રાનવાલેને તબાહ કરવા યોજાયેલ 'ઓપરેશન બ્લ્યુ સ્ટાર'ની 38મી વર્ષી પૂર્વે સમગ્ર પંજાબમાં અને વિશેષતઃ અમૃતસરમાં અત્યારથી જ કડક બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. તે માટે અર્ધ-લશ્કરી દળોની 4 કંપનીઓ અને પંજાબ આર્મ્ડ પોલીસના 1,500 જવાનો તૈનાત કરી દેવાયા છે.


આ માહિતી આપતાં સ્પેશ્યલ ડીજીપી (ઇન્ટેલિજન્સ) પ્રબોધ કુમારે ગુરુવારે શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બોર્ડર રેન્જના અધિકારીઓની એક બેઠક યોજી હતી. અને સલામતી વિષે ચર્ચા કરી હતી. વિશેષતઃ તો પાકિસ્તાનની ISI નો ટેકો મેળવેલા કેટલાક આતંકીઓ IED સાથે પકડાતાં સાવચેતી વધારી દેવામાં આવી છે. આ આતંકીઓ પંજાબનાં વિભાજનવાદીઓને પુષ્ટિ આપવા જ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા.


ISI ભારતમાં અશાંતિ ફેલાવવા માટે ક્રોસ બોર્ડર સ્મગલર્સનો ઉપયોગ કરી રહેલ છે. તે સર્વવિદિત થઇ ગયું છે. અમૃતસરના પોલિસ કમિશનર અરૃણપાલ સિંઘે પત્રકારને જણાવ્યું હતું કે, કોઇને પણ વાતાવરણને વિષમ કરવા નહીં દેવાય. શહેરમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. અને દરેક ધાર્મિક સ્થળો તથા ટુરિસ્ટ સ્થળો તેમજ નબળા સ્થળોએ સલામતી વધારી રાષ્ટ્ર વિરોધી તત્વોની કોઇપણ કાર્યવાહી નિષ્ફળ કરવા સલામતી દળો તૈયાર રહ્યાં છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (લો એન્ડ ઓર્ડર) પરમિંદરસિંહ ભંડાલે કહ્યું હતું કે વધારાના પોલીસ દળો તો ગોઠવાઇ જ ગયાં છે. તેમજ DSP તથા ASP કક્ષાના વધુ અધિકારીઓ પણ કાર્યરત થઇ ગયા છે.