સુરતમાં કોરોનામાં 4 મોતઃ 178 દર્દી દાખલ, 68ને રજા આપી દેવાઇ

June 24, 2020

સુરત સિટી અને ગ્રામ્યમાં મળીને કુલ કેસ 3876, મૃત્યુઆંક 147 ઃ કતારગામમાં 40, વરાછાના બંને ઝોન મળીને 43 કેસ

સુરત- સુરત શહેરમાં કોરોના વાયરસનો પ્રસાર વધી રહ્યો છે. આજે સિટીમાં 152 અને ગ્રામ્યમાં 26 મળીને કુલ 178 નવા કેસ નોંધાયા હતા. જ્યારે  વેડ રોડના 75 વર્ષીય વૃધ્ધ,ભાઠેનાના ૫૫ વર્ષીય વૃધ્ધા, કાપોદ્રાની 50 વર્ષીય મહિલા અને અડાજણના 82 વર્ષીય વૃધ્ધનું  સારવાર દરમિયાન મોત થયુ હતું. જયારે સિટી-ગ્રામ્યમાંથી વધુ વધુ 68 દર્દીઓને રજા અપાઇ હતી.


આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ વેડ રોડ પર  રહેતા 75 વર્ષીય વૃધ્ધને ગત તા.૧૦મીએ,ભાઠેનામાં રહેતા 55 વર્ષીય વૃધ્ધાને ગત તા.7મીએ , કાપોદ્રામાં રહેતા 50 વર્ષીય મહિલાને ગત તા.૬ઠ્ઠીએ અને અડાજણમાં રહેતા 82 વર્ષીય વૃધ્ધને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા હતા.બાદમાં વારા ફરતી ચારેયના મોત નીંપજયા હતા. વેડ રોડના કેસમાં ડાયાબિટીઝ,ભાઠેનાના કેસમાં ડાયાબીટીઝ,બ્લડ પ્રેશર અને પાંડુરોગ તથા કાપોદ્રાના કેસમાં ડાયાબિટીઝ,બ્લડ પ્રેશર,કિડની અને અડાજણના કેસમાં ડાયાબિટીઝની બિમારી હતી.

સુરત સિટીમાં કોરોના બ્લાસ્ટ યથાવત રહેતા આજે 152 દર્દીઓમાં સૌથી વધુ  કતારગામના 40, લિંબાયતમાં 16, સેન્ટ્રલમાં 14, વરાછા એ 26, વરાછા બી 17, રાંદેર 24, ઉધનામાં 3  અને  અઠવાના 12 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમાં 3529 પોઝિટીવ કેસમાં 141 મોત થયા છે. જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 367 પૈકી 6 વ્યકિતનાં મોત થયા હતા. સુરત શહેર- જીલ્લામાં  કુલ  3896 કેસમાં 147ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત 57 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 2287 દર્દીઓને રજા આપવામાં આવી છે.

-સુરત નવી સિવિલમાં 292 દર્દીઓની હાલત ગંભીર
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 141 વ્યક્તિઓના મોત થયા હતા.નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં499 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી292- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 22- વેન્ટિલેટર, 34- બાઈપેપ અને 292 દર્દીઓ ઓક્સિજન પર  છે.