સુરતના સણિયા ગામમાં ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઈ

July 19, 2021

સુરત : સુરતમાં રાત્રિ દરમિયાન આઠ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જેથી સણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઈ ગયુ હતું. રસ્તા પર પાંચથી છ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતાં. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ દરમિયાન સણીયા હેમાદ ગામના રસ્તામાંથી પસાર થતી બસનું એન્જિન પાણીમાં બંધ થઈ ગયું હતું. જેથી બસમાં મુસાફરી કરી રહેલા 50 જેટલા પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. સાથે જ પાણીનું સ્તર પણ વધી રહ્યું હતું. જેથી તમામના જીવ જોખમમાં મૂકાયા હતાં. મુસાફરો બૂમાબૂમ કરી રહ્યાં હતાં. આ સ્થિતિમાં બસને ટ્રેકટર સાથે બાંધીને બહાર કાઢવામાં આવતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

ટ્રાવેલ્સ ફસાઈ જતા લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. ટ્રાવેલ્સના ડ્રાઈવરે આસપાસના લોકોને મદદ માટે બોલાવવાનું શરૂ કરી દીધું હતું. અંદાજે 5 ફૂટથી વધુ પાણીમાં બસ ફરાઈ જતા મુસાફરોને બહાર કાઢવા પણ મુશ્કેલ થઈ ગયાં હતાં. ટ્રાવેલ્સમાં મહિલાઓને અને નાના બાળકો પણ હતાં. ડ્રાઇવરે સતત બસ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એન્જિનમાં પાણી જતું રહ્યું હોવાથી બસ શરૂ થઈ નહોતી. આખરે સ્થાનિક લોકોને જોતા સમજાયું કે, બસ પાણીની વચ્ચે વચ્ચે ફસાઈ ગઈ છે. ગામ લોકો એકત્રિત થઈને ટ્રાવેલ્સ પાસે પહોંચ્યા. ત્યારે જાણવા મળ્યું કે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો છે અને ટ્રાવેલ્સ બંધ થઈ ગઈ છે.

મુસાફરોથી ભરેલી બસનો બહાર કાઢવા માટે ગામ લોકો એકઠા થઈને કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિક લોકોએ ટ્રેક્ટર અને દોરડા ની મદદ લઈને ટ્રાવેલ્સની ખેંચવાનું શરૂ કર્યું હતું. બસમાં મોટી સંખ્યામાં મુસાફરો હોવાથી બસને ભારે જહેમત બાદ ટ્રેક્ટરની મદદથી બહાર કઢાઈ હતી. ગામલોકોએ શ્યામ સંગીની મંદિર પાસે ઊંચાઈવાળા ભાગે બસને ખેંચીને પહોંચાડી હતી.