હરિયાણાની 12 સરકારી શાળાના 72 બાળકો કોરોના પોઝિટિવ

November 19, 2020

ચંદીગઢઃ દેશમાં કોરોના વાયરસને લઇને જે સતર્કતા પહેલા હતી તેમાં હવે ઘટાડો થયો છે. મોટાભાગના લોકોના મનમાં કોરોનાને લઇને જે ડર હતો તે હવે રહ્યો નથી. આ જ કારણ છે કે હવે કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઇ રહ્યો છે. હરિયાણાના બે શહેરની શાળામાં કોરોનાએ ઘણા બાળકોને પોતાની ઝપેટમાં લીધા છે. રેવાડીમાં શાળા ખુલ્યા બાદ પહેલી વખત બાળકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તો 12 સરકારી શાળાના 72 જેટલા બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઘટના બાદ હવે હરિયાણા સરકારે રાજ્યની તમામ શાળાઓમાં કોરોના ટેસ્ટિંગના આદેશ આપ્યા છે. આ ઉપરાંત પ્રશાસન દ્વારા તમામ શાળાઓને ત્રણ દિવસસ માટે બંધ કરવાનો નિરરણય લીધો છે. વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેમના પરિવારના લોકોના પણ ટેસ્ટ કરવામાં આવશે. સાવધાનીના પગલે આખા ગામના સેનિટાઇઝેશનના આદેશ પણ આપવામાં આવ્યા છે.  કંઇક આવી જ સ્થિતિ જીંદ જિલ્લાની પણ થઇ છે. જ્યાં 11 બાળકોની સાથે 8 શિક્ષકો પણ કોરોના પોઝિટિવ થયા છે. આ ઘટનાના સામે આવ્યા બાદ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ટીમો એલર્ટ થઇ છે. તમામ શાળાઓને કોરોના ટેસ્ટિંગના આદેશ આપવામાં આવ્યા છે. બાળકોને કોરોનાએ ઝપેટમાં લેતા શાળાઓ ખોલવાના નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધતા હરિયાણામાં પમ કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે.