ગુજરાતમાં દિવાળી બાદ ધો. 1 થી 5ના વર્ગો શરૂ કરવાની વિચારણા

October 13, 2021

ગાંધીનગર ઃ સરકાર 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવાના મૂડમાં
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા સંકેત
આરોગ્ય વિભાગના અધિકારીઓના રિપોર્ટ બાદ અંતિમ નિર્ણય
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે. સતત ઘટી રહેલા પોઝિટિવ કેસોને જોતા સરકાર પણ છૂટછાટ આપી રહી છે. જે અંતર્ગત શાળા-કૉલેજોને પણ તબક્કાવાર શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે સરકાર દિવાળી પછી ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાના મૂડમાં હોય તેમ જણાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોની વિગતો આપવા માટે સરકારી પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા અંગે સરકારની તૈયારી વિશે જણાવ્યું હતું.
જીતુ વાઘાણીએ સંકેત આપ્યો છે કે, દિવાળી બાદ ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. જો કે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ રિપોર્ટ સુપરત કરશે, તે બાદ સરકાર અંતિમ નિર્ણય લઈ શકે છે.
રાજ્યના અનેક જિલ્લાના સંચાલક મંડળ દ્વારા ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા અંગે માંગ કરવામાં આવી રહી છે. આ માટે અનેક જિલ્લાઓમાં સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે.