અમદાવાદ -યુવકે સોશિયલ મીડિયામાં એ હદે ક્રૂર પજવણી કરી કે સગીરાએ કંટાળી જિંદગી ટૂંકાવી

January 10, 2021

‘તુ એમ જ મરી જા, તને જીવવા નહીં દઉં’ આ શબ્દો સાંભળીને એક સગીરાએ આપઘાત કરી લીધો. અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્કૂલના એક મિત્રની ધમકીથી કંટાળીને સગીરાએ આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. નરોડા પોલીસે વોટ્સએપ મેસેજથી આત્મહત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં 8 ડિસેમ્બરના રોજ એક સગીરાએ આત્મહત્યા કરી હતી, સગીરાના આપઘાત પાછળના કારણનો હવે દોઢ માસ બાદ ખુલાસો થયો છે. સગીરાએ આત્મહત્યાના દિવસે પોતાના એક મિત્રને કરેલા વોટ્સએપ ચેટ પરથી ખુલાસો થતા નરોડા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. મૃતક સગીરાએ મિહિર રાઠોડ નામના યુવકની ધમકીથી કંટાળી આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.
મિહિર નામના યુવકે સગીરાને કહ્યું હતું કે, ‘તુ એમ જ મરી જા, હું તને જીવવા નહીં દઉં’ સહિતના સંખ્યાબંધ મેસેજ કરી ધમકી આપી હતી. જેનાથી કંટાળીને કિશોરીએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જો કે, કિશોરીએ મૃત્યુના દિવસે તેના એક મિત્ર સાથે વોટ્સ એપથી ચેટીંગ કર્યું હતું. જેમાં મિહીરના ત્રાસથી જ કિશોરીએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે ઘટનાના એક દોઢ બાદ કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મિહિરની અટકાયત કરી હતી.
સગીરવયની દીકરીના આપઘાતથી પરિવાર ભાંગી પડ્યો હતો. દીકરીને શું તકલીફ હશે કે તેને આત્મહત્યા કરી લીધી? આ સવાલનો અંત સગીરાએ કરેલા વોટ્સએપ ચેટ પરથી આવ્યો છે. તેને પોતાના મિત્રને મિહિરના ત્રાસને લઈને વોટ્સએપમાં મેસેજ કર્યા હતા.
સગીરાએ આત્મહત્યા પહેલા 8 ડિસેમ્બરના રોજ બપોરે 1.03 વાગ્યે મિત્રને મેસેજ કર્યો હતો જેમા તેણે લખ્યું હતું કે, મિહિર બહુ હેરાન કરે છે મરવાનું કહે છે. હું મરી જાઉં છું. ગાળો બોલે છે, મારા મામાની દુકાને જઇને બધુ કહી દે છે, મારા ઘરે આવવાનું કહે છે, હું નહીં મરુ તો એ મારશે. ઉપરાંત એમ પણ કહે છે કે હું જીવવા નહીં દઉં અને ગંદી ગાળો બોલે છે તથા મમ્મી પપ્પાને બધુ કહી દેવાની ધમકી આપે છે. તે મરવાનું કહે છે હું એની સાથે નથી તો પણ બોલે છે. મિહીર કહે છે હું આજે નહીં મરું તો મિહીર ઘરે આવશે બધુ કહેશે અને તું મરી જા નહીં તો જુદા જુદા નંબરથી મેસેજ કરીશ તેમ મિહીર કહેશે.
સગીરાના શબ્દોથી સાફ થાય છે કે, મિહિરના માનસિક ત્રાસથી કંટાળીને તેને ફક્ત મોત જ વિકલ્પ દેખાયો હતો.
સગીરા અને મિહિર સ્કૂલમાં મિત્રો હતા. પણ સગીરાની સ્કૂલ બદલી ગયા બાદ મિહિર તેને માનસિક હેરાન કરતો હતો. સગીરા અને મિહિર વચ્ચે કઈ બાબતે તકરાર ચાલતી હતી. અને મિહિરે કેમ સગીરાને મરવા માટે દુસ્પ્રેરણા કરી. જે મામલે પોલીસે મિહિરની પૂછપરછ શરૂ કરી છે.