છેતરપિંડીથી બચવા માટે બેંક ગ્રાહકોને જાગૃત કરવા અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું

September 28, 2020

મુંબઈ : બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હવે છેતરપિંડીથી બચવા બેંક ગ્રાહકોને જાગૃત કરતા જોવા મળશે. ભારતીય રિઝર્વ બેંકે પોતાના ગ્રાહક જાગૃતતા અભિયાન માટે ‘બિગ બી’ની સેવા લઇ રહ્યું છે. રિઝર્વ બેંકની સાર્વજનિક જાગૃતતા પહેલ હેઠળ સેન્ટ્રલ બેંક ગ્રાહકોને સલામત રીતે વ્યવહારો વિશે માહિતગાર કરે છે. ગ્રાહકોને કહેવામાં આવે છે કે તેઓ ટ્રાંઝેક્શન કરતી વખતે શું કરવું જોઈએ અને શેનાથી બચવું જોઈએ.

પોતાના મુખ્ય ટ્વિટર હેન્ડલ સિવાય રિઝર્વ બેંકનું બીજું એક ટ્વિટર એકાઉન્ટ ‘આરબીઆઈથી’ છે. બિગ બીએ રવિવારે તેના પર એક સંદેશ મૂક્યો છે. તેમાં તેઓ કહેતા જોવા મળે છે કે જાગૃત થવા માટે એક પાઇનો ખર્ચ કરવાની જરૂર નથી, પરંતુ માહિતીના અભાવના લીધે તમે તમારા મહેનતની કમાણી ગુમાવવી પડી શકે છે. નિયામક છેલ્લાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી અંગ્રેજી અને હિન્દી ઉપરાંત વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં આ અભિયાન ચલાવી રહ્યા છે, જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય.

તેઓ આ સંદેશાઓનું પુનરાવર્તન વારંવાર કરે છે જેથી લોકો તેમના હકો અને જવાબદારીઓને ભૂલી ન જાય. રિઝર્વ બેંકે એપ્રિલની શરૂઆતમાં આ જ નામથી એક ફેસબુક પેજ શરૂ કર્યું હતું. બચ્ચને લોકડાઉનના સમયગાળા દરમ્યાન ડિજિટલ બેંકિંગનો પ્રચાર કર્યો હતો. તેમાં તેઓ લોકોને એ કહેતા દેખાતા હતા કે તેઓ ડિજિટલ પેમેન્ટ અપનાવે અને સલામત રહે.