આશીષ મિશ્રાના જામીન રદ કરીને સુપ્રીમે ન્યાયપાલિકાની લાજ રાખી

April 26, 2022

મોદી સરકારે બહુમતિના જોરે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદા સામે વિરોધ ચરમસીમા પર હતો ત્યારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આશિષ મિશ્રાએ ખેડૂતો પર કાર ચડાવીને ચાર ખેડૂતો અને એક પત્રકારને કચડી નાંખ્યા હતા.  ૩ ઓક્ટોબર, 2021ના રોજ ગાંધી જ્યંતિના બીજા દિવસે બનેલી આ ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં યોગી આદિત્યનાથ સરકારે આશિષને જેલભેગો કરી દીધો હતો. પણ અલાહાબાદ હાઈકોર્ટે ૧૦ ફેબ્રુઆરીએ તેને જામીન આપતાં આશિષ જેલની બહાર આવી ગયો હતો. મિશ્રાએ મારી નાંખેલા ખેડૂતોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં મિશ્રાના જામીન રદ કરાવવા અરજી કરેલી. સુપ્રીમ કોર્ટે સોમવારે આ અરજી માન્ય રાખીને આશિષ મિશ્રાના જામીન રદ કરીને સાત દિવસમાં તેને હાજર થવા ફરમાન કર્યું છે.
ચીફ જસ્ટિસ એન.વી. રામન, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે મિશ્રાના જામીન રદ કરતી વખતે જામીન આપવા બદલ અલાહાબાદ હાઈકોર્ટના આદેશની ઝાટકણી કાઢી હતી. સુપ્રિમે નોંધ્યુ હતુ કે, અલાહાબાદ હાઈકોર્ટે પીડિતોને સાંભળ્યા વિના જ મિશ્રાને જામીન આપી દઈને ન્યાયના સ્થાપિત નિયમોને અવગણ્યા છે. કોર્ટે એવો કટાક્ષ પણ કર્યો કે, એફઆઈઆરને કોઈ પણ ઘટનામાં એનસાક્લોપીડિયા ગણીને ચુકાદા ના આપી શકાય. 
સુપ્રીમ કોર્ટના આ આદેશથી એટલું સ્પષ્ટ થયુ છે કે ભારતમાં ન્યાયતંત્ર પર લોકો હજી પણ વિશ્વાસ રાખી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટે કોઈની શેહશરમ રાખ્યા વિના મિશ્રાના જામીન રદ કરવાનો ચુકાદો આપીને ન્યાયતંત્રની ગરિમા જાળવી લીધી હોવાનો મત ચોતરફથી વ્યક્ત થઈ રહ્યો છે. કાનૂની નિષ્ણાતો અને ખેડૂત સંગઠનો સુપ્રીમ કોર્ટના ચુકાદાને દિલથી આવકારી રહ્યાં છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ કરવા યુપી સરકારને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવા આદેશ આપેલો. આ ટીમની તપાસ પર નજર રાખવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજને સુપ્રીમ કોર્ટે જવાબદારી સોંપી છે. અલાહાબાદ હાઈકોર્ટે આશિષને જામીન આપ્યા પછી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ અને નિવૃત્ત જજે યુપી સરકારને ભલામણ કરેલી કે, જામીન આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે કેમ કે મિશ્રા વગદાર વ્યક્તિ છે તેથી પુરાવા સાથે ચેડાં કરી શકે છે, સાક્ષીઓ અને પીડિતોને નુકસાન કરી શકે છે. આ ભલામણને ઘોળીને પી ગયેલી યોગી સરકારે જામીન મળવા સામે કોઈ અરજી ના કરી. છેવટે મૃતકોનાં સગાંએ સુપ્રીમ કોર્ટમાં જવું પડેલું.  સુપ્રીમ કોર્ટે લીધેલા વલણને કારણે જ આ કેસમાં ન્યાય થવાની આશા ઉભી થઈ છે. બાકી યુપી સરકાર જે રીતે વર્તતી હતી એ જોતાં મિશ્રા જેલમાં જશે એ વાત તો છોડો પણ તેની સામે કેસ નોંધાશે એવી પણ આશા નહોતી.  એક તબક્કે તો ઘટના બની પછી ભાજપના નેતા મિશ્રાના દીકરાનો બચાવ કરતા હતા. સુપ્રીમ કોર્ટે ન્યાય થાય એ વલણ અપનાવ્યું તેના કારણે મિશ્રા સામેનો કેસ મજબૂત થયો. સુપ્રીમે એ વલણ હજુ જાળવ્યું છે તેના કારણે સામાન્ય લોકોનો ન્યાયમાં વિશ્વાસ મજબૂત થશે. ભારતમાં લોકોને ન્યાયતંત્રમાં અપાર શ્રધ્ધા છે. સુપ્રીમ કોર્ટે આ શ્રધ્ધા જળવાય એવો મોટો ચૂકાદો આપ્યો છે.  એટલે હવે ટુંક સમયમાં જ આશિષે જેલભેગા થવું પડશે તે નિશ્ચિત છે.