અનુ કપૂરની તોછડાઈ, આમિર ખાન વિશે પૂછાતાં કહ્યું, એ કોણ છે ભાઈ?

August 08, 2022

મુંબઈ: પીઢ એક્ટર અને એન્કર અનુ કપૂરને આમિર ખાન વિશે પૂછાતાં તેણે, 'એ કોણ છે , હું નથી જાણતો' એવો જવાબ આપતાં તેની ભારે ટીકા થઈ રહી  છે. અનુ કપૂર પોતાના એક ઓટીટી શો અંગે મીડિયા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેને હાલ આમિર ખાનની લાલસિંહ ચઢ્ઢા ફિલ્મના બહિષ્કારનાં એલાનો અપાઈ રહ્યાં છે તે અંગે પૂછવામાં આવ્યું હતું. આમિરે પહેલાં તો આ સવાલના જવાબમાં એમ કહી દીધું હતું કે તમે શેના વિશે વાત કરી રહ્યા છો ? હું ફિલ્મો જોતો નથી. તે વખતે અનુ કપૂરના મેનેજરે દરમિયાનગીરી કરીને  'નો કોમેન્ટ' એમ કહ્યું હતું. 
એ વખતે અનુ કપૂર ઉકળી ઉઠયો હતો અને તેણે જણાવ્યું હતું કે ના, ના આમાં નો કોમેન્ટ જેવું પણ કાંઈ નથી. હું તો મારી પોતાની કે બીજા કોઈની પણ કોઈ ફિલ્મો જોતો જ નથી. મને ખરેખર ખબર નથી કે આ ( આમિરખાન) ખરેખર કોણ છે ? તો હું એના વિશે કેવી રીતે કશું કહી શકું. આ સમગ્ર સંવાદનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકોએ અનુ કપૂરની ભારે ધોલાઈ કરી હતી. નારાજ ચાહકોએ જણાવ્યું હતું કે અનુ કપૂર પોતે દાયકાઓથી ઈંડસ્ટ્રીનો એક હિસ્સો છે. તેમણે ફિલ્મો આધારિત ટીવી શો પણ કર્યા છે. તે પછી પણ તેઓ એવું કહે છે કે પોતે કોઈની ફિલ્મો જોતા નથી એ નરી તોછડાઈ છે. જોકે, એક ચાહકે એવું અર્થઘટન કર્યું હતું કે કદાચ અનુ કપૂર સમગ્ર ઈંડસ્ટ્રીથી નારાજ છે અને તેથી આવું રિએક્શન આપે છે.