ઓસ્ટ્રેલિયાએ વિશ્વના નંબર એક ખેલાડી જોકોવિચના વિઝા રદ કર્યા

January 07, 2022

નોવાક જોકોવિચ પાસે એન્ટ્રી માટે પૂરતા દસ્તાવેજો ના હોવાનો ઓસ્ટ્રેલિયન સરકારનો દાવો કરવામાં આવ્યો છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થતાં પહેલાં જ વિવાદનો આરંભ થઈ ગયો છે. વિશ્વના નંબર એક ખેલાડી નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે મેલબોર્ન આવ્યા બાદ નાટકીય ઘટનાક્રમ સર્જાઈ રહ્યા છે. જોકોવિચને મેલબોર્ન એરપોર્ટ પર કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ દ્વારા તેનો વિઝા રદ કરી દેવાયો હતો.

ત્રે દાવો કર્યો હતો કે જોકોવિચ પાસે ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી માટે પૂરતા દસ્તાવેજો નથી. જોકોવિચને ડિપોર્ટ કરવાની તૈયારી થતી હતી ત્યારે જ તેના વકીલે જોકોવિચને ઓસ્ટ્રેલિયામાં રાખવા માટે તત્કાળ કોર્ટ કાર્યવાહી કરી હતી, જજ એન્થની કેલીએ સોમવારે સવારે 10 કલાક સુધી નિર્ણય મુલતવી રાખ્યો હતો પણ ત્યાં સુધી વિશ્વના નંબર એક ખેલાડીએ રેફ્યૂજી હોટેલમાં રહેવું પડશે. નોંધનીય છે કે 34 વર્ષનો જોકોવિચ બુધવારે રાતના 11.15 કલાકે મેલબોર્ન એરપોર્ટ પર ઊતર્યો હતો, હાલમાં તેને આઈસોલેશન રૃમમાં રાખવામાં આવ્યો છે અને બે ગાર્ડ તેની ચોકી કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને ધમકી આપી હતી કે જો તેનો વિઝા વેલિડ નહીં હોય તો તેને વળતા પ્લેનમાં ઘરે પરત મોકલી આપવામાં આવશે તે પછી જોકોવિચ મેલબોર્ન આવ્યો હતો. મોરિસને કહ્યું છે કે કાયદાથી પર કોઈ નથી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા તરફથી એક દિવસ અગાઉ જોકોવિચને વેક્સિનેશનના નિયમોમાં છૂટ આપતાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી. પણ પછી ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને જણાવ્યું હતું કે, કાયદો બધા માટે સરખો છે અને કોઈને કાયદામાંથી મુક્તિ મળી શકે નહીં, તેને પગલે પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી.