૩ દેહાણ જગ્યાઓને સેંજળધામમાં પૂજ્ય ધ્યાન સ્વામી બાપા એવોર્ડ એનાયત

February 11, 2020

સાવરકુંડલા તાલુકામાં સેંજળ ખાતે ધ્યાનસ્વામી બાપાના ચેતન સમાધી સ્થાન ખાતે આજે (માઘ ર્પૂિણમા) સૌરાષ્ટ્ર ગુજરાતની ત્રણ દેહાણ જગ્યાઓને મોરારિબાપુએ આ વર્ષનો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કર્યો હતો. કાર્યક્રમ વેળાએ રાજ્યની દેહાણ જગ્યાઓના સંતો, મહંતો, ગાદીપતિઓ તેમજ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.


સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની, સમાજની અનન્ય સેવા કરતી આવી છે. ‘જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢૂકડો’ના સૂત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે. વિખરાતા સમાજને રોટલાથી જોડયો છે. અભાવ-ગ્રસ્તોના હામી થઈને આંસુ લૂછયાં છે, સામ્પ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્યાઓને આ એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાના ઉપક્રમમાં આજે વર્ષ ૨૦૨૦નો અને સળંગ ૧૦મા એવોર્ડ સમારંભમાં ત્રણ દેહાણ જગ્યાની સ્વતંત્ર રૃપે વંદના કરવામાં આવી હતી. જેમાં સંત ખીમ સાહેબની જગ્યા, રાપર (વાગડ-કચ્છ)ના પ્રતિનિધિ રસિકભાઈ ઠક્કરે તથા રાણીમા-રૃડીમાની જગ્યા કેરાળા, તા.વાંકાનેરના પ્રતિનિધિ મહંત મુકેશભગતે તેમજ જલારામબાપાની જગ્યા વીરપુરના ગાદીપતિ રઘુરામબાપા ચાંદ્રાણીએ તિલક, સૂત્રમાલા, શાલ, સ્મૃતિચિહન (એવોર્ડ) અને સવા લાખ રૃ.ની એવોર્ડ રાશિ સાથે આ એવોર્ડ સ્વિકાર્યો હતો.


એવોર્ડ સમારંભના પ્રારંભે પૂજ્ય વસંતદાસ હરિયાણી, પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ, પૂજ્ય નિર્મળાબાએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. પૂજ્ય મોરારિબાપુએ આશિર્વચનમાં પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંકલન હરિૃંદ્ર જોશીએ સંભાળ્યું હતું.  આ જગ્યામાં આજે પ્રતિવર્ષની જેમ પાટોત્સવ તેમજ સમુહલગ્નનું આયોજન પણ સુપેરે સંપન્ન થયું હતું.