ટોરન્ટોના એપાર્ટમેન્ટ બિલ્ડીંગના ૧૪મા માળેથી પટકાયેલા બાળકનું મૃત્યું

August 02, 2020

ઘટના શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા સ્થાનિકોની પુછપરછ કરાઈ

ટોરન્ટો : ટોરન્ટો નજીકના જેન એન્ડ ફીન્ચમાં આવેલા એક બહુમાળી મકાનના ૧૪મા માળની બાલ્કનીમાંથી પડી જનારા બે વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હોવાનું ટોરન્ટો પોલીસે જણાવ્યું હતું. પોલીસે અકસ્માત અંગેની ઘટના વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે, ડ્રીફટવુડ એવેન્યુ અને યોર્કવુડસ ગેટમાંથી સાંજે .ર૪ કલાકે તેમને કોલ મળ્યો હતો કે, એક બાળક બાલ્કનીમાંથી પડી ગયું છે. તેમણે સ્થળ પર જઈને બાળકને ગંભીર ઈજાઓ સાથે જોયું હતું અને તરત એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. ટોરન્ટો પોલીસ ઈન્સપેકટર ડેરેન અલ્ડ્રીટે પત્રકારોને જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત બાળકને હોસ્પીટલમાં લઈ જવાયું ત્યારે ત્યાંના તબીબોએ એને મૃત જાહેર કર્યું હતું. સમયે બાળકની માતા પણ હાજર હતી.

ઘટનાની તપાસ માટે પોલીસે બિલ્ડીંગમાં રહેનારાઓની પુછપરછ કરી હતી. કેમ કે, તેમને ઘટના શંકાસ્પદ લાગી હતી. જો કે બધાએ કહ્યું હતું કે બાળકને બધા જાણતા હતા અને બધા સાથે રમતો હતો. બાળક બારીમાંથી પડી ગયો કે બાલ્કનીમાંથી હજુ સ્પષ્ટ થયું નથી. જો કે બારીઓમાં સેફટી લેચ હોવાથી બાલ્કનીમાંથી પડી ગયો હશે એમ માનવામાં આવી રહયું છે.