બાંગ્લાદેશ ૨૦૧૭ પછી વિદેશમાં પ્રથમ ટેસ્ટ જીત્યું : મહમુદુલ્લાહે નિવૃત્તિ લીધી

July 13, 2021

હરારેઃ બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટમાં ૨૨૦ રનથી વિજય મેળવવાની સાથે વર્ષ ૨૦૧૭ બાદ પહેલી વખત વિદેશની ભૂમિ પર ટેસ્ટ મેચ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હરારેમા રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં બાંગ્લાદેશે જીતવા માટે આપેલા ૪૭૭ના ટાર્ગેટનો પીછો કરતાં ઝિમ્બાબ્વેની ટીમની બીજી ઈનિંગ ૨૫૬ રનમાં સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશના સ્પિનર મિરાઝ અને તસ્કીને ૪-૪ વિકેટ ઝડપી હતી. કારકિર્દીની આખરી ટેસ્ટ રમી રહેલા મહમુદુલ્લાહને પ્રથમ ઈનિંગમાં ફટકારેલી અણનમ ૧૫૦ રનની ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જીતવા માટેના ૪૭૭ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઝિમ્બાબ્વેએ ૯૪.૪ ઓવરમાં ૨૫૬ રન નોંધાવ્યા હતા. નાઈટવોચમેન ડોનાલ્ટ ટિરિપાનોએ ૧૪૪ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૫૨ રન ફટકાર્યા હતા. અગાઉ કેપ્ટન ટેલર ૯૨ રન કરીને આઉટ થયો હતો.