ભાવનગરના ટેમ્પાચાલકનો પુત્ર ચેતન સાકરિયા 1.2 કરોડમાં વેચાયો, રાજસ્થાન રોયલ્સ વતી રમશે

February 18, 2021

અમદાવાદ : સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે.  

વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી.

પોતાની જર્ની વિશે વાત કરતાં ચેતને કહ્યું હતું, મેં 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું. મારા પપ્પા (કાન્જીભાઈ) ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી (વર્ષાબેન) હાઉસ વાઈફ છે. હું નાનપણથી ભણવામાં સારો હતો અને ફેમિલી ઇચ્છતું હતું કે હું ભણું અને આગળ જઈને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી.

યુવરાજ સિંહ મારો ફેવરિટ પ્લેયર છે અને હું તેમને આઈડલાઈઝ કરું છું. જોકે હું ફાસ્ટ બોલર બન્યો એ પાછળની સ્ટોરી અલગ છે. 2010માં પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી ત્યારે જુનેદ ખાને બહુ સારી બોલિંગ કરી હતી. તેણે વિરાટ કોહલી સહિત આપણા ઘણા સ્ટાર્સને બોલ્ડ કર્યા હતા. ત્યારે હું એ બોલિંગથી ઘણો પ્રભાવિત થયો અને તેની એક્શનને કોપી કરતાં ફાસ્ટ બોલર બની ગયો. તેની એક્શન કોપી કરવા ગયો અને એમાં મારી પોતાની એક એક્શન બની ગઈ.