કેનેડામાં ત્રણ-ચાર ઈંચના કરાનો વરસાદ થયો, અસંખ્ય વાહનોના કાચ તૂટયા

August 05, 2022

અલ્બર્ટા : કેનેડાના પશ્વિમી પ્રાંત અલ્બર્ટામાં તોફાન સાથે અડધો કલાક સુધી આકાશમાં કરા પડતાં અસંખ્ય વાહનોના કાચ તૂટી ગયા હતા. ત્રણથી ચાર ઈંચના કરાના મારો થતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. અચાનક કરા પડવાનું શરૃ થતાં વાહનચાલકોને પરેશાની થઈ ગઈ હતી. એ કારણે ઘણા વાહનો વચ્ચે ટક્કર પણ થઈ હતી.
કેનેડામાં ત્રણથી ચાર ઈંચના કરા પડયા હતા. પશ્વિમી પ્રાંત અલ્બર્ટામાં તોફાન સાથે અડધો કલાક સુધી આકાશમાંથી બરફના ત્રણથી ચાર ઈંચના ટૂકડા વરસ્યા હતા. અચાનક આ સ્થિતિ સર્જાઈ જતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જે વાહનચાલકો રસ્તામાં હતા તેમને અચાનક રસ્તા પર કશું જ દેખાતું બંધ થઈ ગયું હતું, તેના કારણે ઘણા વાહનો વચ્ચે સાધારણ ટક્કરના બનાવો પણ બન્યા હતા. ઘણા વાહનોના કાચ તૂટી ગયા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેઈન પોલીસ ફોર્સના કહેવા પ્રમાણે લગભગ અડધો કલાક સુધી કરા વરસ્યા હતા. તેની સાઈઝ ઘણી મોટી નોંધાઈ હતી. લગભગ ૧૦ સેન્ટિમીટર સુધીના કરા વરસ્યા હતા. એટલે કે ત્રણથી ચાર ઈંચના બરફના ટૂકડા વરસતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે ૩૪ વાહનોના માલિકોએ નુકસાનીનો ક્લેઈમ કર્યો હતો.કરા પડવાના બનાવો અસંખ્ય સ્થળોએ બનતા હોય છે. ભારત સહિત દુનિયાભરમાં એવા બનાવો વર્ષ દરમિયાન નોંધાય છે, પરંતુ કરાની સાઈઝ બહુ મોટી હોતી નથી. તેમ છતાં જો કરા સીધા લોકો પર પડે તેનાથી ઈજા થઈ શકે છે. આકાશમાંથી સીધા ત્રાટકતા કરા ચામડી પર ઘાવ બેસાડી દે છે અને માથામાં ઈજા પહોંચાડી શકે છે. કરાનો વરસાદ થતો હોય ત્યારે બહાર નીકળવું સલાહભર્યું નથી હોતું. આમ તો એની સરેરાશ સાઈઝ માંડ એક ઈંચની હોય છે. જ્યારે કેનેડામાં ત્રણથી ચાર ઈંચના કરા પડતા થોડીવાર માટે દહેશત ફેલાઈ ગઈ હતી. વિજ્ઞાાનિકોએ આને ગંભીર સંકેત ગણાવ્યો હતો. ખાસ તો ગ્લોબલ વોર્મિંગના કારણે આવી ઘટના આગામી સમયમાં વધી શકે એવી ચિંતા વ્યક્ત કરી હતી.