ચેન્નાઇ સ્થિત બિઝનેસ જૂથના સંકુલોમાં આઇટીના દરોડા: 400 કરોડની બેનામી આવક પકડાઇ

March 01, 2020

ચેન્નાઇ : ચેન્નાઇ સ્થિત નામાંકિત બિઝનેસ જૂથના સંકુલોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન   છુપાયેલા કલાઉડ સર્વર અને ૪૦૦ કરોડ રૃપિયાની બેનામી આવક શોધી કાઢવામાં આવી છે તેમ આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે. 

આ જૂથે પોતાના નાણાકીય હિસાબોમાં ૧૦૦૦ કરોડ રૃપિયાથી વધુનું ટર્નઓવર દર્શાવ્યું હતું. આ જૂથ લીડ, કોપર અને એલ્યુમિનિયમ ઉપરાંત પ્લાસ્ટિક મેન્યુફેકચર તથા ફાઇનાન્સિંગ સાથે પણ સંકળાયેલુ છે. 

આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દરોડાની ખાસ વાત એ રહી છે કે એકાઉન્ટિંગ માટે નિયમિત કલાઉડ સર્વર સાથી છૂપાયેલા કલાઉડ સર્વર પણ રાખવામાં આવ્યા હતાં. 

દરોડા દરમિયાન શંકાસ્પદ વ્યવહારોની વિગતો ધરાવતુ પેન ડ્રાઇવ પણ મળી આવ્યું છે. મોટી સંખ્યામાં સંપત્તિના દસ્તાવેજો, પ્રોમિસરી નોટ પણ મળી આવી છે. આ ઉપરાંત મની લેન્ડિંગ બિઝનેસમાં સુરક્ષા માટે અનેક પોસ્ટ ડેટેડ ચેક પણ મળી આવ્યા છે. 

દરોડા દરમિયાન એક કરોડ રૃપિયા રોકડા પણ મળી આવ્યા હતાં. છેલ્લે મળેલા સમાચાર મુજબ આવકવેરા વિભાગના અધિકારીઓ તપાસના અંતિમ તબક્કામાં છે.