ચીનની Alibaba ચોરી રહી છે ભારતીય યુઝર્સનો ડેટા? શરૂ થઈ શકે તપાસનો ધમધમાટ

September 15, 2020

ચીન સાથે સરહદ પર વિવાદ સર્જાતા બંને દેશો વચ્ચે તંગદિલી સતત વધી છે. જે પછી ભારતમાં અનેક ચીની એપ્સને પ્રાઇવસી કારણોનો હવાલો આપી બેન કરવામાં આવી છે. અત્યાર સુધી લગભગ 200થી વધુ ચીની એપ્સ પર ભારતીય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે હવે એવા સમાચાર મળ્યા છે કે ચીનની લોકપ્રિય કંપની અલીબાબા પર ભારતીય યુઝર્સના ડેટા ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે જલ્દી તપાસ શરૂ કરવામાં આવશે ઓવા માહિતી છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ઓછામાં ઓછા 72 સર્વર્સથી ભારતીય યુઝર્સનો ડેટા ચીન મોકલવામાં આવ્યો છે અને આ તમામ સર્વર્સનું મુખ્ય કેન્દ્ર અલીબાબાનું ક્લાઉડ ડેટા સર્વર છે. સૂત્રોએ જણાવ્યું કે અલીબાબાનું ક્લાઉડ ડેટા સર્વર ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે યુરોપિયન સર્વરની સરખામણીએ ખૂબ જ સસ્તા દરે સર્વિસ આપે છે. સૂત્રો મુજબ ભારતમાં અલીબાબા દ્વારા ઓપરેટ થતા 72 સર્વર્સને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. એવું જણાવવામાં આવ્યું છે કે ચીની પ્રશાસન દ્વારા યોજનાબદ્ધ રીતે આ કામ કરવામાં આવી રહ્યું છે.
સૂત્રો મુજબ હવે આ મામલે તપાસ શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા લદ્દાખમાં ગલવાન ખીણ પર સીમા વિવાદ વધતા કેન્દ્ર સરકારે 106 જેટલી ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં બહુચર્ચિત ટિકટોક, યુસી ન્યૂઝ, યુસી બ્રાઉઝર, વીચેટ, એપ્સ સામેલ હતી. આ પછી પણ સરકારે ચીની એપ્સ પર બેનની પ્રક્રિયા ચાલુ રાખી અને લગભગ 200થી વધુ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો.