વાપી હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર ઃ ભાઈ-બહેનનાં મોત

February 03, 2020

ટ્રકની ટકકરથી કાર બીજા ટ્રેક પર પહોંચી, અકસ્માતમાં સાતને ઈજા


વલસાડ ઃ  વાપીમાં પારડી નજીકના ખડકી ગામે ટ્રકચાલકે કારને ટક્કર મારતા કાર સામેના ટ્રેક ઉપર ફંગોળાઈને પહોંચી ગઈ હતી. આ સમયે સામેથી આવતી અન્ય કાર સાથે તે ધડાકાભેર અથડાઇ જતાં બંને કારમાં સવાર કુલ સાતને ઈજા થઈ હતી. જેમાં ભાઈ અને બહેનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.


વાપીમાં સીએની પ્રેક્ટિસ કરતા અને પારડી ખાતે રહેતા દેવાંગભાઈ ભટ્ટના પત્ની પ્રતિક્ષાબેન દેવાંગભાઈ ભટ્ટ (ઉંમર વર્ષ ૫૦) તેમનો દીકરો વેદાંત દેવાંગભાઈ ભટ્ટ (ઉંમર વર્ષ ૧૭)ને પોતાની કાર (નં. જીજે ૧૫ સીડી ૮૧૪૯)માં પ્રતિક્ષાબેન તેમના ભાઈ આનંદકુમાર રમેશભાઈ પુરોહિત સાથે વાપી રેલવે સ્ટેશને મુકવા આવ્યા હતા. તેમનો પુત્ર અમદાવાદ હોસ્ટેલમાં રહીને ભણે છે. દરમિયાનમાં પારડી ખડકી ગામની હદમાં હેપી કલ હોટલની સામે બપોરે ૩.૩૦ના સુમારે એક ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારતા કાર ફંગોળાઈને સામેના ટ્રેક ઉપર ધસી ગઈ હતી અને સામેથી આવતી કાર (નં. જીજે ૦૧ સીડી ૮૧૪૯) સાથે ધડાકાભેર અથડાઇ જતા અકસ્માત થયો હતો. જેમાં બંને કારમાં સવાર સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં પ્રતિક્ષાબેન ભટ્ટ તથા તેમના ભાઈ આનંદકુમાર પુરોહિતનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર વેદાંત તથા સામેની કારમાં સવાર નેહલ નિસર્ગ પટેલ, નિસર્ગ ભરત પટેલ, ધવલ બાબુભાઈ પટેલ, ઉર્વશી ધવલ પટેલને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.


ઈજાગ્રસ્તો પૈકી ચાર જણા સુરત અડાજણ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જે તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પારડી પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ઘટનાનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક પ્રતિક્ષાબેનના પતિ દેવાંગભાઈ ભટ્ટ ગોવા ખાતે લાયન્સ ક્લબની મિટિંગ અટેન્ડ કરવા ગયા હોવાની વિગતો મળી રહી છે. આ ઘટના થકી પારડી શ્રોફ્ સ્ટ્રીટમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. દેવાંગભાઈના ભાઈ સંજીવભાઈ ભટ્ટ દમણમાં પબ્લિક પ્રોસિક્યુટરની સેવા આપી રહ્યા છે, તેમજ ભાજપના અગ્રણી નેતાઓમાં પણ તેમની ગણના થાય છે.