કર્ણાટકના ગામમાં ભરવાડને થયો કોરોના, 47 બકરીઓ ક્વોરેન્ટાઈન, તપાસ માટે મોકલાયા નમૂના

July 01, 2020

બેંગલુરૂ : કર્ણાટકમાં એક ભરવાડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની 47 બકરીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. આ નવો કેસ બેંગાલુરૂથી આશરે 127 કિમી દૂર તુમકુરૂ જિલ્લાના ગોડકેરે ગામનો છે. જિલ્લાના પશુ પાલન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ગૌરલહટ્ટી તાલુકામાં આશરે 300 જેટલા ઘર છે. ત્યાંની વસ્તી આશરે 1,000 જેટલી છે અને ભરવાડ સહિત ગામના બે લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

આ સાથે જ ચાર બકરીઓના શંકાસ્પદ મોત બાદ ગામના લોકો ડરી ગયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે કેટલીક બકરીઓ શ્વાસની સમસ્યાનો સામનો કરી રહી છે.

જિલ્લા પશુ અધિકારીઓ મંગળવારે ગામમાં પહોંચ્યા હતા અને તેમણે બકરીઓને ગામની બહાર ક્વોરેન્ટાઈન કરાવી હતી. તે સિવાય બકરીઓના સ્વેબના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓને પશુ સ્વાસ્થ્ય અને પશુ ચિકિત્સા સંસ્થા ભોપાલ મોકલવામાં આવ્યા હતા.

આ તરફ પશુપાલન વિભાગના સચિવ પી મનીવન્નનના કહેવા પ્રમાણે આ સમગ્ર કેસ તેમના ધ્યાનમાં છે. મૃત બકરીઓનું પોસ્ટમોર્ટમ કરાવાયું છે અને બકરીઓના સેમ્પલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એનિમલ હેલ્થ એન્ડ વેટેનરી બાયોલોજિકલ્સ (IAHVB) બેંગલુરૂ ખાતે મોકલવામાં આવ્યા છે.

IAHVBના ડિરેક્ટર ડો. એસએમ બાયરેગૌડાએ જણાવ્યું કે, હજુ સુધી એવો કોઈ કેસ સામે નથી આવ્યો કે વાયરસ મનુષ્યમાંથી પશુઓમાં ફેલાયો હોય. હાલ અમારી પાસે તપાસ કીટ ન હોવાથી સેમ્પલ્સ ભોપાલ મોકલવામાં આવ્યા છે.

UASના GKVKમાં પ્રોફેસર ડો. બીએલ ચિદાનંદે જણાવ્યું કે, કોરોના વાયરસ જેવા જૂનોટિક વાયરસ સામાન્ય રીતે પશુઓમાંથી મનુષ્યમાં ફેલાય છે, મનુષ્યમાંથી પશુઓમાં નહીં.