આહીર સમાજના એક જ પરિવારના 5 સભ્યનાં મોત, એક મૃતક યુવકના લગ્ન આ વર્ષે જ થવાના હતા

November 18, 2020

વડોદરા : વડોદરા પાસે નેશનલ હાઇવે પર સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેથી આહીર સમાજનાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મૃતકો પૈકી સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા એક જ જીંજાલા પરિવારના 5 સભ્યનો સમાવેશ થાય છે, જે પૈકી એક મૃતક યુવકની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાના હતા.

સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાંથી ઘર નંબર 38માંથી જીંઝાલા પરિવારના 9 જણા ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર આઈશર ટેમ્પોમાં રાત્રે નીકળ્યો હતો. દરમિયાન વડોદરા પાસે નેશનલ હાઇવે પર આઈશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેમાં આ જીંજાલા પરિવારમાંથી સુરેશ, દયાબેન, આરતી સહિત 5નાં મોત થયાં છે, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત થયા છે.


અકસ્માતમાં ભોગ બનનારા પરિવારના પાડોશી એ જણાવ્યું હતું કે આ પરિવારના 9 સભ્યો ધાર્મિક પ્રવાસે આઈશર ટેમ્પોમાં રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા. પરિવારનાં ચાર બાળકો ગામડેથી સુરત દિવાળી કરવા માટે આવ્યાં હતાં. પરિવાર મંગળવારે સવારે કામરેજ હનુમાન મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાર બાદ રાત્રે ડાકોર, વડતાલ અને પાવાગઢ જવાનું હોવાથી રસોઈ બનાવી લઈ તમામ તૈયારીઓ કરી લીધી હતી. રાત્રે અકસ્માત થયો અને સવારે સમાચાર જોતાં જાણ થઈ હતી.

પાડોશી કેશુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હરેશભાઈ જીંજાલા અને બટુકભાઈ જીંજાલા સુરતમાં રહેતા હતા. જ્યારે અન્ય ત્રણ ભાઈ વતન રાજુલામાં રહેતા હતા. હરેશભાઈ સહિત પરિવારના તમામ સભ્યોનો સ્વભાવ ખૂબ જ સારો હતો. છેલ્લાં 20થી વધુ વર્ષથી અહીં રહે છે. સોસાયટીના તમામ સભ્યો સાથે પરિવારની જેમ જ રહેતો હતો. હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ રત્નકલાકાર હતો અને તેની સગાઈ થઈ ગઈ હતી. દિવાળી બાદ અટલે કે આ વર્ષે જ તેના લગ્ન થવાના હતા.

ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે આ લોકો મૂળ વતન રાજુલાની આસપાસનાં ગામોના વતની હતા. છેલ્લાં 20થી વધુ વર્ષથી સુરતમાં રહેતા હતા. તેઓ સુરતના પુણા ગામ પાસે આવેલી આશાનગરમાં રહેતા હતા. હીરા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોનાં મૃત્યુ થતાં સુરતના પુણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.