ડેલ્ટા વેરિયન્ટ 100 દિવસમાં જેટલો ફેલાયો હતો એટલો ઓમીક્રોન માત્ર 15 દિવસમાં ફેલાયો

November 27, 2021

નવી દિલ્હી : કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન (B.1.1.529)ની શરૂઆતના રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે. WHOએ એને વેરિયન્ટ ઓફ કન્સર્ન જણાવ્યો છે. દક્ષિણ આફ્રિકાનાં 3 ક્ષેત્રમાં દરરોજ મળી આવતા 90% કેસ આ જ વેરિયન્ટના છે, જે 15 દિવસ પહેલાં માત્ર એક જ હતો. વૈજ્ઞાનિકોને આ જ વાત સૌથી વધુ ભયભીત કરી રહી છે, કારણ કે અત્યારસુધીમાં સૌથી ઝડપી સંક્રમણ ફેલાવનારો વેરિયન્ટ ડેલ્ટા હતો, જેને કારણે દુનિયામાં ત્રીજી લહેર આવી હતી.

હવે ઓમીક્રોન વેરિયન્ટથી નવી લહેર આવવાનો ખતરો છે, કારણ કે આ ડેલ્ટા કરતાં પણ 7 ગણી ઝડપી સંક્રમણ ફેલાવી રહ્યો છે. એટલું જ નહીં, એ ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે. પકડમાં આવ્યા પહેલાં જ એમાં 32 મ્યૂટેશન થઈ ચૂક્યા છે. એને ધ્યાનમાં લેતાં યુરોપિયન યુનિયનના તમામ 27 દેશે 7 આફ્રિકન દેશની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ તરફ ભારતમાં પણ હજી સુધી તો આ નવા વેરિયન્ટનો કોઈ કેસ નોંધાયો નથી તોપણ સિગાંપોર, મોરિશિયસ સહિત 12 દેશથી આવતા પ્રવાસીઓની સઘન તપાસ કરવામાં આવશે.