અમદાવાદમાં ડીઝલની કિંમત રૂપિયા ૯૫ને પાર, પેટ્રોલ રૂ. ૯૪.૩૯/લિટર

June 23, 2021

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલમાં સતત આંતરા દિવસે ભાવવધારો હવે ભારતની જનતાને કોઠે પડી ગયો છે. સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ મંગળવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરતાં ગુજરાતના અમદાવાદમાં પેટ્રોલના ભાવ મંગળવારે ૨૭ પૈસા વધીને રૂ. ૯૪.૩૯ પ્રતિ લિટર થયા છે, જ્યારે ડીઝલના ભાવ ૨૮ પૈસા વધીને રૂ. ૯૫.૦૧ પ્રતિ લિટર થયા છે. આ સાથે જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૨મી વાર વધારો કરાયો છે. એકલા જૂન મહિનામાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા ૩.૨૭ અને ડીઝલમાં રૂ. ૨.૯૮ પ્રતિ લિટરનો વધારો થયો છે. આ પહેલાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મે મહિનામાં ૧૬ વાર વધારો કરાયો હતો જેમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૮.૦૨ પ્રતિ લિટર વધી હતી. વર્ષ ૨૦૨૧ના પ્રારંભથી સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરતી આવી છે. ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ૨૨ જૂન સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂપિયા ૧૫.૩૫ પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. સૌથી મોંઘાં પેટ્રોલ અને ડીઝલ શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યાં છે. મંગળવારે પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૮.૬૭ અને ડીઝલની કિંમત રૂપિયા ૧૦૧.૪૦ પ્રતિ લિટર રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારોમાં મંગળવારે ક્રૂડની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. મંગળવારે ઓગસ્ટ માટેના બ્રેન્ટ ક્રૂડ ફીચરના ભાવ ૧૦ સેન્ટ ઘટીને ૭૪.૮૦ ડોલર પ્રતિ બેરલ રહ્યાં હતાં. અમેરિકાના વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટની કિંમત જુલાઈ માટે ૨૨ સેન્ટ ઘટીને ૭૩.૪૪ ડોલર પ્રતિ બેરલ રહી હતી. અમેરિકા અને યુરોપના બજારોમાં માગમાં થઈ રહેલા વધારાના કારણે ઝડપી રિકવરીની સંભાવના છે.
ઓરેક પ્લસ દેશો ઓગસ્ટ મહિનાથી ક્રૂડના ઉત્પાદનમાં તબક્કાવાર વધારો કરવાની વિચારણા કરી રહ્યાં છે પરંતુ કેટલું ઉત્પાદન વધારવામાં આવશે તેના પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. હાલ ઓપેક દેશો દરરોજના ૨.૧ મિલિયન બેરલનું ઉત્પાદન કરી રહ્યાં છે.