સુરતથી અમદાવાદ વચ્ચેની અવરજવર રોકવા માટે નિર્દેશ

August 05, 2020

કોરોના વાયરસનું સંક્રમણ અમદાવાદમાં હાલ કાબૂમાં આવી રહ્યું હોય તેવું લાગે છે, સુરતમાં કેસ સતત વધ્યા


અમદાવાદ- અમદાવાદઃ કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા પગલાં વધુ અસરકારક સાબિત થાય તે માટે મંગળવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે, રાજ્યભરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી લેવાતો દંડ વધારીને ૧,૦૦૦ રૂપિયા કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, તમામ સાધનસંપત્તિ અને ધ્યાન કોરોના મહામારી સામે લડવામાં લગાવી દે. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે કહ્યું કે, સુરતથી અમદાવાદ વચ્ચે અવરજવર બંધ થવી જોઈએ તેમજ અમદાવાદમાં પ્રવેશ કરતાં લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ થવો જોઈએ.

મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા ૧૦૨૦ કેસ નોંધાયા અને આ સાથે જ કુલ કેસનો આંકડો ૬૫,૭૦૪ થયો છે. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા. સુરતમાં ૨૪૫, અમદાવાદમાં ૧૫૩, વડોદરામાં ૧૦૫ અને રાજકોટમાં ૮૮ કેસ નોંધાયા હતા. મંગળવારે કુલ ૨૫ દર્દીઓના મોત થયા જેમાંથી ૧૧ સુરતના, ૪ જૂનાગઢના, અમદાવાદ અને જામનગરમાં ત્રણ-ત્રણ, વડોદરાના બે અને રાજકોટ-ભાવનગરમાંથી ૧-૧ મૃત્યુ નોંધાયા. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે.બી. પારડીવાળાની બેન્ચે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકજાગૃતિ, તકેદારી અને નિવારણ પર ભાર મૂકયો. હાઈકોર્ટે લોકોની ટીકાનો ભય રાખ્યા વિના કડક પગલા લેવાની તાકીદ રાજ્ય સરકારને કરી. હાઈકોર્ટે કહ્યું, *રાજ્ય સરકારે એવું ના વિચારવું જોઈએ કે આકરા પગલા લેવાથી નાગરિકોની ટીકા કે નફરતનો સત્તાધીશોએ સામનો કરવો પડશે. આજે સૌથી વધુ અગત્યનું કંઈ હોય તો એ છે નિવારણ. હાઈકોર્ટે સ્વીકાર્યું કે, અમદાવાદમાં વાયરસનો ફેલાવો ઘટયો છે જ્યારે સુરતમાં કેસ વધી રહ્યા છે. અમદાવાદની જનતાની સુરક્ષા કરવાનો સમય પાકી ગયો છે અને તેના માટે સુરતથી અમદાવાદમાં થતી અવરજવરને ડાયમંડ સિટીમાં સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રોકી દેવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું, *અમે આવી સલાહ આપીએ છીએ કારણકે આજની તારીખે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટયા છે જ્યારે સુરત અને તેની બહારના વિસ્તારોમાં કેસમાં ઉછાળો આવ્યો છે.