રાજકોટમાં કોરોનાગ્રસ્ત પિતા માટે સ્પેનમાં રહેતી દીકરીની વેદના સાંભળી તંત્રએ કરી સીધી મદદ

May 03, 2021

કોરોનાગ્રસ્ત પિતાની ચિંતામાં ગરકાવ અને રાજકોટથી જોજનો દૂર પુત્રી મદદ માટે અસહાય હતી પિતાની કાળજી લેવાવાળુ કોઈ ન હતું કરવું તો શુ કરવુ? તેની કોઈ સમજણ પડતી ન હતી ત્યારે રાજકોટ શહેર-2ના પ્રાંત અધિકારીનો મોબાઈલ નંબર શોધી સ્પેનથી એક પુત્રીએ તેના પિતાની વેદના સંભળાવતા ડે.કલેકટર સહિત તેની આખી ટીમે પુત્રીની ચિંતા દુર કરી જરૂરી તમામ સહાયતા કરી હતી.


રાજકોટમાં રહેતા યતિનભાઈ ક્રિષ્નચંદ શાહને કોરોના આવતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા જયાંથી તેઓને સમરસમાં દાખલ કરવામાં આવ્યા હતા. યતિમભાઈની કાળજી લેવાવાળુ કોઈ ન હતું બાદમાં સ્પેન રહેતી સ્વેતુબેન શાહનો ડે.કલેકટર ચરણસિંહ ઉપર ફોન આવ્યો હતો અને પિતા માટે રેમડેસીવર ઈન્જેકશન માટે, ઓકસીજન સહિત તબીયત અંગે વાતચીત કરી હતી.


સમરસમાં રહેલ ડોકટર અને કલેકટરની ટીમે યતિનભાઈની પુરેપુરી કાળજી લઈ તેની પુત્રીને સ્પેનમાં બેઠા-બેઠા રોજ વોટ્સઅપના માધ્યમથી હેલ્થ બુલેટીન આપતા હતા આજે સ્વેતુબેનના પિતા સાજા થતા સમરસમાંથી રજા આપતા સ્વેતુબેને કલેકટર તંત્રને આવા કપરા અને ખરાબ સમયમાં મદદરૂપ બનતા આભાર પ્રગટ કર્યો હતો.