મિત્ર રાષ્ટ્રોમાં મતભેદ:ફ્રાન્સ-અમેરિકાના સંબંધોમાં તિરાડ

September 19, 2021

વોશિંગ્ટન : અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના નવા સૈન્ય કરાર (ઑક્સ) થતા ફ્રાન્સ નારાજ થયું છે. જેના કારણે ફ્રાન્સે પહેલીવાર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે. ફ્રાન્સે અમેરિકાના પ્રમુખ જૉ બાઇડન પર પીઠમાં છરો ભોંકવાનો આક્ષેપ પણ કર્યો હતો. તથા કહ્યું હતું કે બાઇડન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ વર્તન કરે છે.

ઑક્સના કારણે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલો 43 અબજ ડૉલરનો કરાર રદ થઈ ગયો છે. આ કરાર હેઠળ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયાને 12 સબમરીને આપવાનું હતું. આ પહેલા વોશિંગ્ટન અને બાલ્ટીમોરમાં ફ્રાન્સ-અમેરિકા વચ્ચેના સંબંધોને લઈને એક ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને દેશો વચ્ચે મતભેદો વકરતાં આ ઉજવણી રદ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ રાજદૂતોને પાછા બોલાવવાના ફ્રાન્સના નિર્ણય બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે અમેરિકાના પ્રમુખ અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે ઑક્સને મંજૂરી આપી હતી. આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયામાં પરમાણુ સબમરીન બનાવવાનો પ્રસ્તાવ છે.

ફ્રાન્સના પગલાં અંગે અમેરિકાએ પણ ખેદ વ્યક્ત કર્યો હતો. વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે મતભેદો ઉકેલવા માટે આગામી દિવસોમાં ફ્રાન્સ સાથે વાતચીત જારી રાખવામાં આવશે.